Bhagavad Gita: Chapter 3, Verse 37

શ્રીભગવાનુવાચ ।
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ ।
મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ ॥ ૩૭॥

શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા; કામ:—વાસના; એષ:—આ; ક્રોધ:—ક્રોધ; એષ:—આ; રજ: ગુણ—રજોગુણથી; સમુદ્ભવ:—ઉત્પન્ન; મહા-અશન:—સર્વ ભક્ષક; મહા-પાપ્મા—મહા પાપથી; વિદ્ધિ—જાણ; એનમ્—તેને; ઇહ—આ ભૌતિક જગતમાં; વૈરિણમ્—શત્રુઓ.

Translation

BG 3.37: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા:  એકમાત્ર કામ જ છે, જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ.

Commentary

વેદોએ ‘કામ’ શબ્દનો ઉપયોગ કેવળ કામવાસનાઓનાં સંદર્ભમાં કર્યો નથી પરંતુ તે ‘સ્વ’ની શારીરિક વિભાવના પર આધારિત સર્વ માયિક સુખોની કામનાઓને પણ સમાવિષ્ટ કરે છે. આ પ્રમાણે, કામ અનેક રૂપમાં વ્યક્ત થાય છે—ધનની ઉત્કંઠા, શારીરિક લાલસાઓ, પ્રતિષ્ઠાની અભિલાષા, સત્તાની ભૂખ, વગેરે. આ કામ એ ભગવદ્-પ્રેમ નું વિકૃત પ્રતિબિંબ માત્ર છે, જે પ્રત્યેક જીવાત્માની અંતર્ગત પ્રકૃતિ છે. જયારે આત્મા શરીરના રૂપમાં માયિક શક્તિનાં સંપર્કમાં આવે છે, ત્યારે રજોગુણના સહયોગથી ભગવાન માટેનો દિવ્ય પ્રેમ કામમાં પરિવર્તિત થઈ જાય છે, કારણ કે દિવ્ય પ્રેમ એ ભગવાનની સર્વોચ્ચ શક્તિ છે, માયિક વિશ્વમાં તેનું ભ્રષ્ટ સ્વરૂપ, કામ પણ સંસારની સૌથી પ્રબળ શક્તિ છે.

શ્રીકૃષ્ણ આ સાંસારિક સુખોનાં ‘કામ’ને પાપનાં કારણ તરીકે અને આપણી અંદર બેઠેલાં પ્રાણઘાતક આકર્ષણ તરીકે ઓળખાવે છે. રજોગુણ આત્માને ભ્રમિત કરીને એવો વિશ્વાસ અપાવે છે કે સાંસારિક વિષયોથી તુષ્ટિ પ્રાપ્ત થશે અને તેથી મનુષ્ય તેમને પ્રાપ્ત કરવાની કામના કરે છે. જયારે ઈચ્છાઓની સંતુષ્ટિ થાય છે ત્યારે લોભ જન્મે છે; અને જયારે તેની સંતુષ્ટિ થતી નથી ત્યારે તે ક્રોધને જન્મ આપે છે. મનુષ્ય કામ, ક્રોધ અને લોભ આ ત્રણેયનાં પ્રભાવ હેઠળ પાપ આચરે છે. લોભ એ બીજું કંઈ નહીં પરંતુ તીવ્ર કામનાઓ છે; જયારે ક્રોધ એ હતાશ થયેલી કામનાઓ છે. તેથી, શ્રીકૃષ્ણ ‘કામ’ને ‘સર્વ દુષ્ટતાઓનાં મૂળ’નું વિશેષણ આપે છે.