તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયોઃ ।
ગુણા ગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે ॥ ૨૮॥
તત્ત્વ-વિત્—પરમ સત્યને જાણનારો; તુ—પરંતુ; મહા-બાહો—હે વિશાળ ભુજાઓવાળા; ગુણ-કર્મ—ગુણો અને કર્મોથી; વિભાગયો:—ભેદના; ગુણા:—મન-ઇન્દ્રિયોના રૂપમાં માયિક પ્રકૃતિના ગુણો; ગુણેષુ—પ્રત્યક્ષીકરણ વિષયોના રૂપમાં માયિક પ્રકૃતિના ગુણો; વર્તન્તે—વ્યસ્ત રહે છે; ઇતિ—એ રીતે; મત્વા—જાણી; ન—કદી નહીં; સજ્જતે—આસક્ત થાય છે.
Translation
BG 3.28: હે મહાબાહુ અર્જુન! જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે, તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે, કેવળ ગુણો (મન અને ઇન્દ્રિયના રૂપમાં) ગુણો (ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં)ની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી.
Commentary
અગાઉના શ્લોકમાં અહંકાર વિમૂઢાત્મા (તેઓ જે અહંકારથી વિમૂઢ થઈ ગયા છે અને પોતાને શરીર માનવાની ભૂલ કરે છે)નો ઉલ્લેખ થયો છે અર્થાત્ એવી વ્યક્તિ જે પોતાને કર્તા માને છે. આ શ્લોક તત્ત્વ-વિત્ અર્થાત્ પરમ સત્યને જાણનાર અંગે વાત કરે છે. અહંકારને નાબૂદ કરીને તેઓ શરીર સાથેના તાદાત્મ્યથી મુક્ત થઈ જાય છે અને ભૌતિક શરીરથી ભિન્ન પોતાની આધ્યાત્મિક ઓળખ પારખી લેવા માટે સમર્થ બને છે. આ પ્રમાણે, તેઓ સ્વયંને પોતાના માયિક કર્મોનાં કર્તા માનવાના છળમાં ફસાતા નથી, તેના બદલે તેઓ પ્રત્યેક પ્રવૃત્તિને ત્રણ ગુણોની ગતિવિધિનું લક્ષણ માને છે. આવા ભગવદ્-પ્રાપ્ત સંત કહે છે: “જો કરૈ સો હરિ કરૈ, હોત કબીર કબીર”
અર્થાત્, ભગવાન જ બધું કરે છે પણ લોકો માને છે કે હું કરું છું.”