ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨॥
ન—નહીં; મે—મારું; પાર્થ—અર્જુન; અસ્તિ—છે; કર્તવ્યમ્—ઉત્તરદાયિત્વ; ત્રિષુ—ત્રણે; લોકેષુ—લોકમાં; કિંચન—કંઈ પણ; ન—નહીં; અનવાપ્તમ્—પ્રાપ્ત કરવું; અવાપ્તવ્યમ્—પ્રાપ્ત કરવા માટે; વર્તે—હું વ્યસ્ત છું; એવ—છતાં; ચ—પણ; કર્મણિ—નિયત કર્મમાં.
Translation
BG 3.22: હે પાર્થ! ત્રણે લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં, હું નિયત કર્મોમાં વ્યસ્ત છું.
Commentary
આપણે કાર્ય કરીએ છીએ, કારણ કે આપણી સૌની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓ છે. આપણે સૌ ભગવાન, જેઓ આનંદસિંધુ છે તેમનો અતિ સૂક્ષ્મ અંશ છીએ અને તેથી આપણે સૌ આનંદની શોધમાં છીએ. આપણને હજી સુધી પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ ન હોવાથી આપણે અસંતુષ્ટ અને અપૂર્ણ હોવાનો અનુભવ કરીએ છીએ. તેથી, આપણે જે કાંઈપણ કરીએ છીએ તે આનંદની પ્રાપ્તિ માટે કરીએ છીએ. જો કે, આનંદ એ ભગવાનની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે અને એકમાત્ર તેઓ જ અનંત કક્ષાએ તેનું આધિપત્ય ધરાવે છે. તેઓ સ્વયં સિદ્ધ અને પૂર્ણ છે; તેમને તેમના બાહ્ય વિશ્વના કોઈપણ વિષયની આવશ્યકતા નથી. આ પ્રમાણે, તેમને આત્મારામ (જે આત્માનંદી છે), આત્મ-રતિ ( જે સ્વયં પ્રત્યે આકર્ષિત થાય છે) અને આત્મ-ક્રીડ (જે પોતાની જાત સાથે દિવ્ય લીલાઓ કરે છે) પણ કહેવામાં આવે છે.
જો આવી વિભૂતિ કર્મ કરે છે તો તેનું કેવળ એક જ કારણ હોઈ શકે—તે સ્વયં માટે કરતા નથી પરંતુ અન્યના કલ્યાણ અર્થે કરે છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, તેમના શ્રીકૃષ્ણ તરીકેના સાકાર સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડમાં તેમના માટે કોઈ કર્તવ્ય નથી છતાં તેઓ અન્યના કલ્યાણ અર્થે કર્મ કરે છે. તેઓ આગામી શ્લોકમાં એ કલ્યાણ અંગે સમજાવે છે, જે તેમના કર્મ કરવાથી સંપૂર્ણ થાય છે.