Bhagavad Gita: Chapter 3, Verse 39

આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા ।
કામરૂપેણ કૌન્તેય દુષ્પૂરેણાનલેન ચ ॥ ૩૯॥

આવૃતમ્—ઢંકાયેલું; જ્ઞાનમ્—જ્ઞાન; એતેન્—આનાથી; જ્ઞાનિન:—જ્ઞાતાનું; નિત્ય-વૈરિણા—નિત્ય શત્રુ દ્વારા; કામરૂપેણ—કામરૂપી; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; દુષ્પૂરેણ—કદાપિ સંતુષ્ટ ન થનાર; અનલેન—અગ્નિ દ્વારા; ચ—અને.

Translation

BG 3.39: હે કુંતીપુત્ર અર્જુન! અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપિ સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે.

Commentary

અહીં, શ્રીકૃષ્ણ દ્વારા કામની હાનિકારક પ્રકૃતિ અંગે અધિક સ્પષ્ટતા કરવામાં આવી છે. કામ  અર્થાત્ ‘કામના’, દુષ્પૂરેણ  અર્થાત્ ‘અતૃપ્ત’, આનલ  અર્થાત્ ‘અગ્નિ’. કામનાઓ જ્ઞાની મનુષ્યની વિવેક બુદ્ધિનું દમન કરી દે છે અને તેની તૃપ્તિ માટે તેને લલચાવે છે. જો કે, આ કામનાઓની આગનું શમન કરવાના જેટલા અધિક પ્રયાસો કરવામાં આવે છે તેટલી અધિક તીવ્રતાથી તે ભડકે છે. બુદ્ધ કહે છે:

        ન કહાપણ વસ્સેન, તિત્તિ કામેસુ વિજ્જતિ

        અપ્પસ્સાદા કામા દુખા કામા, ઇતિ વિઞ્ઞાય પણ્ડિતો (ધમ્મપદ ૧૮૬)

“કામનાઓ અશમનીય આગની જેમ ભડકે છે, જે કદાપિ કોઈને પણ સુખ પ્રદાન કરતી નથી. જ્ઞાની મનુષ્ય તેને દુઃખનું મૂળ સમજીને તેનો પરિત્યાગ કરે છે.” પરંતુ જેઓ આ રહસ્ય જાણતા નથી તેઓ તેમની વાસનાઓની તૃપ્તિના વ્યર્થ પ્રયાસો કરવામાં પોતાનું જીવન નિરર્થક ગુમાવે છે.