પ્રકૃતેર્ગુણસમ્મૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ ।
તાનકૃત્સ્નવિદો મન્દાન્ કૃત્સ્નવિન્ન વિચાલયેત્ ॥ ૨૯॥
પ્રકૃતે:—ભૌતિક પ્રકૃતિનાં; ગુણ—માયિક પ્રકૃતિના ગુણો દ્વારા; સમ્મૂઢા:—ભ્રમિત; સજ્જન્તે—આસક્ત થાય છે; ગુણ-કર્મસુ—કર્મફળોમાં; તાન્—તેઓ; અકૃત્સ્નવિદ:—જ્ઞાન વિનાનો મનુષ્ય; મંદાન્—અજ્ઞાની; કૃત્સ્નવિત્—જ્ઞાની મનુષ્યો; ન વિચાલયેત્—વિચલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.
Translation
BG 3.29: જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે, તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે. પરંતુ, જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં.
Commentary
એ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જો આત્મા ગુણો અને તેમની પ્રવૃત્તિઓથી ભિન્ન છે તો પછી અજ્ઞાની લોકો શા માટે ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્ત થાય છે? શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સમજાવે છે કે તેઓ માયિક શક્તિના ગુણોથી મોહિત થઈને સ્વયંને કર્તા માની લે છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી વિક્ષિપ્ત થઈને તેઓ ઇન્દ્રિય સુખો અને માનસિક આનંદનાં સ્પષ્ટ પ્રયોજનથી કર્મો કરે છે. તેઓ ફળની અપેક્ષા વિના, કેવળ ઉત્તરદાયિત્ત્વ તરીકે કર્મોનું પાલન કરી શકતા નથી.
આમ છતાં, કૃત્સ્ન-વિત્ (જ્ઞાની મનુષ્ય)એ અકૃત્સ્ન વિત્ (અજ્ઞાની મનુષ્ય)ના મનને વિક્ષુબ્ધ કરવું જોઈએ નહીં. અર્થાત્, જ્ઞાની મનુષ્યે પોતાના વિચારોને અજ્ઞાની મનુષ્ય પર એમ કહીને બળપૂર્વક થોપવા જોઈએ નહી કે, “તું આત્મા છે, શરીર નથી. અને તેથી કર્મ કરવું વ્યર્થ છે, તેનો ત્યાગ કર.” પરંતુ, તેમણે અજ્ઞાનીને તેમના નિયત કર્મો કરવાનો ઉપદેશ આપવો જોઈએ અને ધીમે ધીમે તેમને આસક્તિમાંથી ઉપર ઉઠવામાં સહાયરૂપ થવું જોઈએ. આ પ્રમાણે, આધ્યાત્મિક રીતે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ પ્રસ્તુત કરીને શ્રીકૃષ્ણ અજ્ઞાની મનુષ્યોના મનને વિચલિત ના કરવાની એક ગંભીર ચેતવણી આપે છે.