Bhagavad Gita: Chapter 3, Verse 5

ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।
કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ ॥ ૫॥

ન—નહીં; હિ—નક્કી; કશ્ચિત્—કોઈપણ; ક્ષણમ્—ક્ષણ; અપિ—પણ; જાતુ—કોઈપણ વખતે; તિષ્ઠતિ—રહે છે; અકર્મ-કૃત્—કર્મ વિના; કાર્યતે—કરવામાં આવે છે; હિ—નક્કી; અવશ:—વિવશ થઈને; કર્મ—કર્મ; સર્વ:—બધા; પ્રકૃતિ-જૈ:—માયિક પ્રકૃતિથી જન્મેલું; ગુણૈઃ:—ગુણો દ્વારા.

Translation

BG 3.5: કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.

Commentary

કેટલાક લોકો માને છે કે કર્મનો સંબંધ કેવળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે જ છે અને દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે, ખાવું, પીવું, સૂવું, જાગવું, વિચારવું વગેરે સાથે નથી. તેથી જયારે તેઓ તેમના વ્યવસાયનો ત્યાગ કરે છે તો તેઓ માની લે છે કે તેઓ કોઈ કર્મ કરી રહ્યા નથી. પરંતુ શ્રીકૃષ્ણ શરીર, મન અને જીહ્વા દ્વારા કરવામાં આવતી પ્રત્યેક ક્રિયાને કર્મ ગણે છે. તેથી તેઓ અર્જુનને કહે છે કે એક ક્ષણ માટે પણ સંપૂર્ણ અકર્મણ્યતા અસંભવ છે. જયારે આપણે કેવળ બેસીએ છીએ, તો તે પણ એક ક્રિયા છે; જો આપણે સૂઈએ છીએ, તો તે પણ કર્મ છે; જો આપણે નિદ્રાધીન થઈએ છીએ, તો મન તો ત્યારે પણ સ્વપ્ન જોવામાં વ્યસ્ત હોય છે; ગહન નિદ્રામાં પણ હૃદય અને અન્ય શારીરિક અંગો તો કાર્યરત જ હોય છે. આ રીતે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે મનુષ્ય માટે પૂર્ણતયા અકર્મણ્યતા એ અસંભવ અવસ્થા છે, કારણ કે શરીર-મન–બુદ્ધિથી બનેલું માનવ તંત્ર તેના પોતાના જ ત્રણ ગુણો (સત્ત્વ, રજસ, તમસ)થી નિર્મિત આ સંસારમાં કર્મ કરવા વિવશ હોય છે. શ્રીમદ્ ભાગવતમ્ માં આ જ પ્રકારનો શ્લોક છે:

                        ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્

                       કાર્યતે હ્યવશઃ કર્મ ગુણૈઃ સ્વાભાવિકૈર્બલાત્ (૬.૧.૫૩)

“કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ અકર્મા રહી શકતો નથી. પ્રત્યેક મનુષ્ય તેમની પ્રકૃતિના ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.”