Bhagavad Gita: Chapter 3, Verse 13

યજ્ઞશિષ્ટાશિનઃ સન્તો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ।
ભુઞ્જતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત્ ॥ ૧૩॥

યજ્ઞ-શિષ્ટ—યજ્ઞ કર્યા પછી ગ્રહણ કરાતું અન્ન; અશિન:—ખાનાર; સંત:—ભક્તો; મુચ્યન્તે—છૂટી જાય છે; સર્વ—બધાં પ્રકારના; કિલ્બિષૈ:—પાપોથી; ભુંજતે—ભોગવે છે; તે—તેઓ; તુ—પરંતુ; અઘમ્—ઘોર પાપ; પાપા:—પાપીજનો; યે—જેઓ; પચન્તિ—ભોજન બનાવે છે; આત્મ-કારણાત્—તેમના પોતાના કલ્યાણ માટે.

Translation

BG 3.13: આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતાં ભક્તો, પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે, તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો, જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ નિ:શંક પાપ જ ખાય છે.

Commentary

વૈદિક પરંપરા પ્રમાણે, અન્ન એ ચેતના અને ભાવના સાથે બનાવવામાં આવે છે કે ભોજન ભગવાનની પ્રસન્નતા માટે છે. ભોજનમાંથી એક ભાગ પાત્રમાં પીરસવામાં આવે છે અને ભગવાનનું આહ્વાન કરવા તથા તેમને ભોજન ગ્રહણ કરવા શાબ્દિક અથવા તો માનસિક પ્રાર્થના કરવામાં આવે છે. આ રીતે ભગવાનને ધરાવેલાં ભોજનને પ્રસાદ (ભગવાનની કૃપા) ગણવામાં આવે છે. તત્પશ્ચાત્ પાત્રમાં ધરાવેલું અને અન્ય પાત્રોમાં રહેલા ભોજનને ભગવદ્-કૃપા તરીકે સ્વીકારવામાં આવે છે અને તે ચેતના સાથે આરોગવામાં આવે છે. અન્ય ધાર્મિક પરંપરાઓ પણ આ જ વિધિનું અનુસરણ કરે છે. ખ્રિસ્તી ધર્મમાં ધાર્મિક સંસ્કારની વિધિ પ્રમાણે મદિરા અને બ્રેડને ધરાવીને પવિત્ર કરાય છે અને પછી તેનું સેવન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે પ્રસાદ (ભોજન, જેને પ્રથમ ભગવાનને અર્પિત કરીને ધરાવવામાં આવે છે)નું સેવન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે અને જે લોકો ભગવાનને ભોગ ધરાવ્યા વિના ભોજન આરોગે છે, તેઓ પાપ અર્જિત કરે છે.

અહીં એ પ્રશ્ન ઊભો થઇ શકે છે કે, શું આપણે ભગવાનને માંસાહારી ભોજ્ય પદાર્થોને અર્પણ કરીને પશ્ચાત્ તેના ઉચ્છિષ્ટ અવશેષોને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકીએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, વેદોએ મનુષ્ય માટે શાકાહારી ભોજ્ય પદાર્થો નિર્ધારિત કરેલા છે; જેમાં અનાજ, દાળ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધની બનાવટો, વગેરેનો સમાવેશ થાય છે. કેવળ વૈદિક સંસ્કૃતિ જ નહિ પરંતુ ઈતિહાસમાં સમગ્ર વિશ્વની સર્વ સંસ્કૃતિઓના પુણ્ય આત્માઓએ માંસાહારના સેવનનો અસ્વીકાર કર્યો છે કે જે ઉદરને પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવી દે છે. તેમાનાં ઘણાંખરા લોકો માંસાહાર કરતા પરિવારમાં જન્મ્યા હોવા છતાં, આધ્યાત્મિક માર્ગ પર ઉન્નતિ થતાં શાકાહારી જીવનશૈલી તરફ આકર્ષિત થયા. અહીં શાકાહારનું સમર્થન કરતાં પ્રસિદ્ધ વિચારકો અને મહાનુભાવોના ઉદ્ધરણ પ્રસ્તુત છે:

“જીવંત પ્રાણીઓ પ્રત્યેના આતંકને રોકવા શિષ્યોને માંસાહાર સેવન કરવાથી દૂર રાખો...બુદ્ધિમાન લોકોનો ખોરાક એ છે જે સાધુગણ ગ્રહણ કરે છે. તે માંસયુક્ત હોતું નથી.”—મહાત્મા બુદ્ધ

“જો તમે એમ ઘોષિત કરો છો કે પ્રાકૃતિક રીતે જ તમારી રચના આવા ખાદ્ય પદાર્થોના સેવન માટે થઈ છે, તો પ્રથમ તમે સ્વયં તેની હત્યા કરો, જેને તમે ખાવા ઈચ્છો છો. આ બધું કેવળ સ્વયં પોતાના હાથે કરો; કોઈપણ છરી, લાઠી કે કુહાડીની સહાયતા વિના.”—રોમન પ્લુતાર્ચનો નિબંધ “ઓન ઈટિંગ ફ્લેશ”

“જ્યાં સુધી મનુષ્યો પ્રાણીઓનો સંહાર કરશે ત્યાં સુધી તેઓ એકબીજાની હત્યા કરતા રહેશે. વાસ્તવમાં, જે હત્યા અને પીડાના બીજ રોપે છે, તેને આનંદ અને પ્રેમની પ્રાપ્તિ થતી નથી.” —પાયથાગોરસ

“ખરેખર, માનવ નરપશુઓનો રાજા છે, કારણ કે તેની કઠોરતા તેમનાથી પણ આગળ વધી ગઈ છે. આપણે અન્યના મૃત્યના આધારે જીવીએ છીએ. આપણું શરીર કબ્રસ્તાન છે. મેં નાની વયમાં જ માંસાહારના સેવનનો ત્યાગ કરી દીધો છે.” —લિઓનાર્દો દ વિન્ચી

“અહિંસા ઉચ્ચ આચારસંહિતા તરફ દોરી જાય છે, જે સર્વ પ્રકારની ઉત્ક્રાંતિનું લક્ષ્ય છે. જ્યાં સુધી આપણે બધા જ જીવંત પ્રાણીઓને કષ્ટ આપવાનું બંધ નહિ કરીએ ત્યાં સુધી આપણે સૌ ક્રૂર અને જંગલી છીએ.” — થોમસ એડિસન

માંસ ખાવું એ સર્વથા અનૈતિક છે, કારણ કે તે એવા કાર્યને—હત્યાને—આવરી લે છે, જે નૈતિક મૂલ્યોથી વિપરીત છે.” —લીઓ ટોલ્સટોય

વાસ્તવમાં એ શંકાસ્પદ છે કે મૃતનું માંસ કોઈપણ સ્થાને કોઈ જીવનની આવશ્યકતા હોઈ શકે...સભ્યતા માટે કોઈપણ દૃષ્ટિએ આવશ્યક નથી કે કોઈ મનુષ્યએ મૃતનું માંસ આરોગવું જોઈએ.”  એડમ સ્મિથ

“હું મારી આયુ જોઉં છું. એવાં લોકો પણ છે, જેઓ તેમની આયુ કરતાં અધિક વૃદ્ધ લાગે છે. જે લોકો લાશોનો ઉપભોગ કરે છે તેવા લોકો પાસે તમે શું અપેક્ષા રાખી શકો?” —જ્યોર્જ બર્નાર્ડ શો

“ગોચરમાં પડેલા ગાય કે ઘેટું કોહવાયેલ મુડદાલ માંસ તરીકે ઓળખાય છે. આવા સમાન પ્રકારનાં હાડપિંજરોને શણગારીને કસાઈની દુકાનોમાં લટકાવી દેવામાં આવે છે અને તે ખોરાક તરીકે વહેંચાય છે.”—જે. એચ. કેલોગ

“મારાં મંતવ્ય પ્રમાણે, શાકાહારી જીવનશૈલી, તેના માનવ સ્વભાવ પર પડતા પવિત્ર શારીરિક પ્રભાવને કારણે સમગ્ર માનવજાતિ માટે સૌથી અધિક લાભદાયી રીતે અસરકર્તા છે.” —આલ્બર્ટ આઇન્સ્ટાઇન

“હું એવી લાગણી ધરાવું છું કે આધ્યાત્મિક ઉન્નતિ એક તબક્કે એવી માંગણી કરે છે કે આપણે આપણી શારીરિક ઈચ્છાઓની તૃપ્તિ માટે આપણાથી નાના પ્રાણીઓની હત્યા કરવાનું બંધ કરવું જોઈએ.” —મહાત્મા ગાંધી

આ શ્લોકમાં આગળ વધતાં શ્રીકૃષ્ણ કહે છે કે શાકભાજીઓમાં પણ પ્રાણ હોય છે અને જો આપણે તેમનું સેવન આપણા ઇન્દ્રિય-ભોગ તરીકે કરીએ છીએ તો આપણે જીવનનો વિનાશ કરવાના કાર્મિક ફળોમાં બંધાઈ જઈએ છીએ. શ્લોકમાં આત્મ-કારણાત્  શબ્દનો ઉપયોગ થયો છે, અર્થાત્, ‘મનુષ્યના વ્યક્તિગત સુખ માટે’. પરંતુ, જો આપણે ભગવાનને અર્પણ કરેલા યજ્ઞના અવશેષોનું પ્રસાદ તરીકે સેવન કરીએ છીએ તો આપણી ભાવના જ પરિવર્તિત થઇ જાય છે. તેના પરિણામે આપણે આપણા શરીરને ભગવાનની સંપત્તિ માનીએ છીએ; જેને ભગવાનની સેવા અર્થે આપણી દેખરેખમાં મૂકવામાં આવી છે. પરિણામે, આપણે ભગવદ્-કૃપાથી અનુમતિ-પ્રાપ્ત પ્રસાદને એવી ભાવના સાથે ગ્રહણ કરીએ છીએ કે તે આપણા શરીરને પોષણ આપશે. આ ભાવના સાથે સમગ્ર ક્રિયા દિવ્યતાને સમર્પિત થઈ જાય છે. ભરત મુનિએ કહ્યું છે:

                          વસુસતો ક્રતુ દક્ષૌ કાલ કામૌ દૃતિઃ કુરુઃ

                         પુરુરવા મદ્રવાશ્ચ વિશ્વદેવાઃ પ્રકીર્તિતાઃ

“રસોઈ કરવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતાં, મૂશળ, અગ્નિ, પીસવાના યંત્રો, જળપાત્ર અને ઝાડુ અજાણતાં જીવાતોની હિંસાનું કારણ બને છે. જે પોતાના માટે ખોરાક બનાવે છે, તેઓ આ પાપ કર્મમાં સંડોવાઈ જાય છે. પરંતુ યજ્ઞ આ પાપકર્મના ફળને બિનપ્રભાવી બનાવી દે છે.”