Bhagavad Gita: Chapter 3, Verse 24

ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ ।
સઙ્કરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ ॥ ૨૪॥

ઉત્સીદેષુ:—નાશ પામે; ઇમે—આ બધા; લોકા:—લોક; ન—નહીં; કુર્યમ્—હું કરું; કર્મ—નિયત કર્મ; ચેત્—જો; અહમ્—હું; સઙ્કરસ્ય—વર્ણસંકર પ્રજાનો; ચ—અને; કર્તા—જવાબદાર; સ્યામ્—થાઉં; ઉપહન્યામ્—વિનષ્ટ કરીશ; ઈમા:—આ સર્વ; પ્રજા:—જીવોને.

Translation

BG 3.24: જો હું નિયત કર્મ કરવાનું ન કરું, તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતિની શાંતિ નો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ.

Commentary

જયારે શ્રીકૃષ્ણ આ ધરતી પર માનવદેહ ધારણ કરીને અવતરિત થયા ત્યારે તેમણે સ્વયં એક રાજવી યોદ્ધા પરિવારના સભ્ય તરીકે સમાજમાં તેમના સ્થાનને અનુરૂપ બધા જ શિષ્ટાચારો અને શૈલીઓ અપનાવ્યા. જો તેમણે વિપરીત આચરણ કર્યું હોત તો અન્ય મનુષ્યોએ તેમનું એમ માનીને અનુસરણ કર્યું હોત કે, તેમણે પણ ધર્મપરાયણ રાજા વાસુદેવના સુપાત્ર પુત્રના આચરણને જ અનુસરવું જોઈએ. શ્રીકૃષ્ણ વૈદિક કર્તવ્યોનું પાલન કરવામાં અસફળ થાત તો અન્ય મનુષ્યો પણ તેમના દૃષ્ટાંતને અનુસરતા, કર્મના અનુશાસનથી દૂર અરાજકતાની પરિસ્થિતિમાં ધકેલાઈ જાત. આ અતિ ગંભીર અપરાધ ગણવામાં આવત અને શ્રીકૃષ્ણને તે માટે દોષી માનવામાં આવત. આ પ્રમાણે તેઓ અર્જુનને સમજાવે છે કે જો તે તેના વર્ણાશ્રમ ધર્મના કર્તવ્યોનું પાલન નહિ કરે તો સમાજમાં અરાજકતા ઉત્ત્પન્ન થશે.

આ જ પ્રમાણે, અર્જુન યુદ્ધમાં અપરાજિત યોદ્ધા તરીકે વિશ્વ-વિખ્યાત હતો અને ધર્મપરાયણ રાજા યુધિષ્ઠિરનો ભાઈ હતો. જો અર્જુન ધર્મનાં રક્ષણ માટે આવશ્યક તેનાં કર્તવ્યોનું પાલન કરવાની અસંમતિ દર્શાવે તો અન્ય ઘણા સુપાત્ર અને ઉમદા યોદ્ધાઓ તેનું અનુસરણ કરત અને ધર્મના રક્ષણ માટે આવશ્યક તેમના નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેત. આનાથી સંસારના સંતુલનનો વિનાશ થઈ જાત અને નિર્દોષ તેમજ સદાચારી લોકોનો ઘોર પરાજય થઈ જાત.  આ પ્રમાણે, સમગ્ર માનવજાતનાં લાભાર્થે અને વિશ્વના કલ્યાણ અર્થે શ્રીકૃષ્ણે અર્જુનને તેના નિયત કર્તવ્યોની ઉપેક્ષા ન કરવા સમજાવ્યો.