Bhagavad Gita: Chapter 3, Verse 34

ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ ।
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપન્થિનૌ ॥ ૩૪॥

ઇન્દ્રિયસ્ય—ઇન્દ્રિયોના; ઇન્દ્રિયસ્ય-અર્થે—ઇન્દ્રિયોના વિષયોમાં; રાગ—આસક્તિ; દ્વેષૌ—વિરક્તિ; વ્યવસ્થિતૌ—સ્થિત; તયો: —તેમના; ન—કદી નહીં; વશમ્—વશમાં; આગચ્છેત—થવું જોઈએ; તૌ—પેલાં; હિ—નિશ્ચિત; અસ્ય—તેના; પરિપન્થિનૌ—અવરોધકો.

Translation

BG 3.34: ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઈન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે.

Commentary

યદ્યપિ શ્રીકૃષ્ણ અગાઉ મન અને ઇન્દ્રિયો તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી સંચાલિત થવા પર ભાર મૂકે છે, હવે તેઓ તેમનું કેવી રીતે નિયમન કરવું તેની શક્યતાઓનું ઉદ્ઘાટન કરે છે. આપણે ભૌતિક શરીર હોવાથી તેના પોષણ માટે આપણે ઇન્દ્રિયોના વિષયોનો ઉપયોગ કરવો પડશે. શ્રીકૃષ્ણ જે આવશ્યક છે તેનો ઉપયોગ બંધ કરવાનું કહેતા નથી, પરંતુ આસક્તિ અને ઘૃણાના નિવારણનો અભ્યાસ કરવાનો ઉપદેશ આપે છે. નિશ્ચિતપણે સર્વ જીવાત્માઓ પર તેમનાં સંસ્કારો (પૂર્વજન્મની વૃત્તિઓ)નો ખૂબ ગહન પ્રભાવ પડેલો હોય છે, પરંતુ ભગવદ્ ગીતામાં શીખવાડેલી વિધિનો અભ્યાસ કરીશું તો આપણે પરિસ્થિતિને સુધારવામાં સફળ થઈ શકીશું.

ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિયજન્ય વિષયો તરફ ગતિ કરે છે અને તેમની પારસ્પરિક આંતરક્રિયા સુખ અને દુ:ખના સંવેદનોનું સર્જન કરે છે. ઉદાહરણ તરીકે, સ્વાદેન્દ્રિય, સ્વાદિષ્ટ વ્યંજનોના સંપર્કથી સુખની અનુભૂતિ કરે છે અને કડવા કે અનિચ્છનીય વ્યંજનોના સંપર્કથી દુઃખની અનુભૂતિ કરે છે. મન જે-તે વિષયો સાથે સંકળાયેલા સુખ અને દુઃખનાં સંવેદનોનું વારંવાર ચિંતન કરે છે. ઇન્દ્રિય વિષયો દ્વારા સુખના અનુભવથી આસક્તિ ઉદ્ભવે છે અને ઇન્દ્રિય વિષયો દ્વારા  દુઃખના અનુભવથી ઘૃણા ઉત્પન્ન થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને ન તો આસક્તિને કે ન તો ઘૃણાને વશ થવાનું કહે છે.

સાંસારિક ઉત્તરદાયિત્ત્વનું પાલન કરવામાં આપણે સર્વ પ્રકારની ગમતી કે અણગમતી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.  આપણે એ અભ્યાસ કરવો જોઈએ કે, આપણે ન તો ગમતી પરિસ્થિતિ પ્રત્યે ઉત્કંઠા સેવીએ કે ન તો અણગમતી પરિસ્થિતિ પ્રત્યે ઉપેક્ષા કરીએ. જયારે આપણે મન અને ઇન્દ્રિયોના ગમા-અણગમાની ગુલામી કરવાનું બંધ કરીશું, ત્યારે આપણે આપણી નિકૃષ્ટ પ્રકૃતિથી ઉપર ઊઠી શકીશું. અને જયારે આપણે કર્તવ્યોનું પાલન કરતી વખતે સુખ અને દુઃખ બંને પ્રત્યે ઉદાસીન થઈ જઈશું, ત્યારે આપણે વાસ્તવિક રીતે આપણી ઉચ્ચતર પ્રકૃતિથી કર્મ કરવા માટે મુક્ત થઈ જઈશું.