યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન ।
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે ॥ ૭॥
ય:—જે; તુ—પરંતુ; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; મનસા—મનથી; નિયમ્ય—નિયંત્રિત કરીને; આરભતે—આરંભ કરે છે; અર્જુન—અર્જુન; કર્મ-ઇન્દ્રિયૈયા—કર્મેન્દ્રિયોથી; કર્મયોગમ્—કર્મયોગ; અસક્ત:—અનાસક્ત; સ:—તે; વિશિષ્યતે—ઘણો સારો છે.
Translation
BG 3.7: પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે, હે અર્જુન! અને કર્મેન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે.
Commentary
આ શ્લોકમાં કર્મયોગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બે વિભાવનાઓને આવરી લેવામાં આવી છે: કર્મ (શારીરિક ધર્મ) અને યોગ (ભગવાન સાથે ઐક્ય). આમ, કર્મયોગી એ છે જે મનને ભગવાનમાં આસક્ત રાખીને સંસારના કર્તવ્યોનું પાલન કરે છે. આવો કર્મયોગી બધા જ પ્રકારનાં કર્મો કરતો હોવા છતાં કર્મ બંધનમાં બંધાતો નથી. આમ થવાનું કારણ એ છે કે કર્મના સિદ્ધાંત અનુસાર મનુષ્ય માટે જે બંધનકર્તા છે તે કર્મ નથી પરંતુ તે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ છે અને કર્મયોગીને કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ હોતી નથી. બીજી બાજુ, પાખંડી વૈરાગી કર્મોનો પરિત્યાગ કરે છે પરંતુ આસક્તિનો ત્યાગ કરતો નથી; પરિણામે કર્મના નિયમોથી બંધાયેલો રહે છે.
શ્રીકૃષ્ણ અહીં કહે છે કે જે મનુષ્ય ગૃહસ્થ જીવનમાં કર્મયોગની સાધના કરે છે તે મનથી નિરંતર ઇન્દ્રિયોના વિષય ભોગનું ચિંતન કરતા પાખંડી વૈરાગી કરતાં અધિક શ્રેષ્ઠ છે. જગદ્ગુરુ શ્રી કૃપાળુ મહારાજ આ બંને પરિસ્થિતિઓમાં રહેલા વિરોધાભાસનું અતિ સુંદર રીતે વર્ણન કરે છે:
મન હરિ મેં તન જગત મેં, કર્મયોગ તેહિ જાન
તન હરિ મેં મન જગત મેં, યહ મહાન અજ્ઞાન (ભક્તિ શતક દોહા નં. ૮૪)
“જયારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે સંસારના કર્તવ્યોનું પાલન કરે છે પરંતુ મનને ભગવાનમાં અનુરક્ત રાખે છે, તેને કર્મયોગ સમજો. જયારે કોઈ વ્યક્તિ શરીરથી આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહે છે પરંતુ મનને સંસારમાં આસક્ત રાખે છે ત્યારે તેને પાખંડી માનો.”