Bhagavad Gita: Chapter 3, Verse 14

અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ ।
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ॥ ૧૪॥

અન્નાત્—અન્નથી; ભવન્તિ—ઉત્પન્ન થાય છે; ભૂતાનિ—જીવંત પ્રાણીઓ; પર્જન્યાત્—વરસાદથી; અન્ન—ધાન્યનું; સંભવ:—ઉત્પાદન; યજ્ઞાત્—યજ્ઞ કરવાથી; ભવતિ—શક્ય થાય છે; પર્જન્ય:—વર્ષા; યજ્ઞ:—યજ્ઞ કાર્ય; કર્મ—નિયત કર્મ; સમુદ્ભવ:—જન્મે છે.

Translation

BG 3.14: સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્ત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે.

Commentary

અહીં, શ્રીકૃષ્ણ પ્રકૃતિના ચક્રનું વર્ણન કરે છે. વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય છે. અન્નનું સેવન કરવાથી રક્ત બને છે. રક્તમાંથી વીર્ય બને છે. વીર્ય એ બીજ છે, જેમાંથી માનવદેહનું નિર્માણ થાય છે. મનુષ્યો યજ્ઞો કરે છે અને તેનાથી સ્વર્ગના દેવતાઓ સંતુષ્ટ થાય છે, જેને કારણે વર્ષા થાય છે અને એ પ્રકારે સૃષ્ટિનું ચક્ર નિરંતર ચાલુ રહે છે.