Bhagavad Gita: Chapter 3, Verse 26

ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસઙ્ગિનામ્ ।
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન્ ॥ ૨૬॥

ન—નહીં; બુદ્ધિ-ભેદમ્—બુદ્ધિનો વિધ્વંસ; જનયેત્—ઉત્પન્ન કરે છે; અજ્ઞાનામ્—અજ્ઞાનીઓની; કર્મ-સંગિનામ્—સકામ કર્મોમાં આસક્ત; જોષયત્—પાલન કરવા પ્રેરિત કરે; સર્વ—બધાં; કર્માણિ—નિયત કર્મો; વિધ્વાન્—વિદ્વાન; યુક્ત:—પ્રબુદ્ધ; સમાચારન્—અનુસરે છે.

Translation

BG 3.26: વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં. પરંતુ, પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને, તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ.

Commentary

મહાન લોકોનું ઉત્તરદાયિત્ત્વ પણ મહાન હોય છે, કારણ કે સાધારણ મનુષ્યો તેમનું અનુસરણ કરે છે. તેથી શ્રીકૃષ્ણ અરજ કરે છે કે વિદ્વાન મનુષ્યોએ એવું કોઈપણ કાર્ય ન કરવું જોઈએ કે એવા કોઈપણ ઉચ્ચારણો ન કરવા જોઈએ કે જે અજ્ઞાની લોકોને પતન તરફ દોરી જાય. અહીં એવો પણ તર્ક થઈ શકે કે જો વિદ્વાન વ્યક્તિને અજ્ઞાની પ્રત્યે કરુણાભાવ ઉદ્ભવે તો તેમણે ભગવદ્-સાક્ષાત્કારનું ઉચ્ચ જ્ઞાન પ્રદાન કરવું જોઈએ. શ્રીકૃષ્ણ આ તર્કનું શમન કરતા કહે છે કે, ન વિચલયેત  અર્થાત્ અજ્ઞાનીઓને, તેઓ જેના માટે પાત્રતા ધરાવતા નથી તેવો ઉચ્ચ ઉપદેશ આપીને તેમને કર્તવ્યોનો પરિત્યાગ કરવાનું કહેવું જોઈએ નહીં.

સામાન્યત: માયિક ચેતનામાં સ્થિત મનુષ્યો બે વિકલ્પો લક્ષમાં રાખે છે. કાં તો તેઓ સુખદ પરિણામની કામનાથી અતિ પરિશ્રમ કરે છે અથવા સર્વ પ્રવૃત્તિઓનો એવી દલીલ સાથે ત્યાગ કરે છે કે તે કઠિન, કષ્ટદાયક અને દુષ્ટતાથી યુક્ત છે. આ બંને વિકલ્પોમાંથી, ફળ માટે કાર્ય કરવું એ પલાયનવાદી અભિગમ કરતાં અધિક શ્રેષ્ઠ છે. તેથી, વૈદિક જ્ઞાનથી યુક્ત અને આધ્યાત્મિક રીતે વિદ્વાન વ્યકિતએ અજ્ઞાનીને તેમના કર્તવ્યોનું પાલન સાવધાનીપૂર્વક અને કાળજીથી કરવા પ્રેરિત કરવા જોઈએ. જો અજ્ઞાનીઓનું મન વિક્ષુબ્ધ અને વિચલિત થઈ જાય તો તેઓ કર્મમાંથી જ વિશ્વાસ ગુમાવી બેસે છે. કર્મો કરવાનું અટકી જવાથી અને જ્ઞાનનો ઉદય ના થયો હોવાથી અજ્ઞાનીને બંને પક્ષે હાનિ થાય છે.

જો અજ્ઞાની અને વિદ્વાન બંને વૈદિક કર્મોનું પાલન કરે છે તો તેમની વચ્ચે તફાવત શું છે? આવા પ્રશ્નને સમજાવતાં, શ્રીકૃષ્ણ આગામી બે શ્લોકોમાં આ પ્રમાણે સ્પષ્ટતા કરે છે.