Bhagavad Gita: Chapter 3, Verse 32

યે ત્વેતદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતમ્ ।
સર્વજ્ઞાનવિમૂઢાંસ્તાન્વિદ્ધિ નષ્ટાનચેતસઃ ॥ ૩૨॥

યે—જેઓ; તુ—પરંતુ; એતત્—આ; અભ્યસૂયન્ત:—દ્વેષ; ન—નહીં; અનુતિષ્ઠન્તિ—પાલન; મે—મારા; મતમ્—આદેશ; સર્વજ્ઞાન—સર્વ પ્રકારના જ્ઞાનમાં; વિમૂઢાન્—ભ્રમિત; તાન્—તેમને; વિદ્ધિ—જાણ; નષ્ટાન્—નષ્ટ થયેલા; અચેતસ:—વિવેકહીન.

Translation

BG 3.32: પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે.

Commentary

શ્રી કૃષ્ણ દ્વારા પ્રસ્તુત ઉપદેશો આપણા શાશ્વત કલ્યાણ માટે સર્વોચિત છે. જો કે, આપણી માયિક બુદ્ધિમાં અનેક અપૂર્ણતાઓ રહેલી છે અને પરિણામે આપણે હંમેશા તેમના ઉપદેશોની ઉત્કૃષ્ટતાને સમજવા અને તેની ઉપયુક્તતાની કદર કરવા સક્ષમ હોતા નથી. જો આપણે કરી શકતા હોત તો  આપણા જેવા સૂક્ષ્મ આત્મા અને દિવ્ય પરમાત્મા વચ્ચે શું તફાવત રહે? આમ, શ્રદ્ધા એ ભગવદ્ ગીતાના દિવ્ય ઉપદેશોને ગ્રહણ કરવા માટે આવશ્યક ઘટક છે. જયારે પણ આપણી બુદ્ધિ તેને સમજવા સમર્થ ન હોય ત્યારે ઉપદેશોમાં દોષદર્શન કરવાના બદલે, આપણે બુદ્ધિનું સમર્પણ કરી દેવું જોઈએ, “શ્રીકૃષ્ણએ આમ કહ્યું છે, તેમાં નિશ્ચિત સત્ય હશે, જે અત્યારે હું સમજવા સક્ષમ નથી. અત્યાર માટે મારે એનો સ્વીકાર કરી લેવો જોઈએ અને આધ્યાત્મિક સાધનામાં લીન થવું જોઈએ. જયારે હું સાધના દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરીશ, ત્યારે  ભવિષ્યમાં હું તેને સમજવા માટે પાત્ર બનીશ.” આ અભિગમને શ્રદ્ધા કહે છે.

જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રદ્ધાની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે: ગુરુ વેદાન્ત વાક્યેષુ દૃઢો વિશ્વાસઃ શ્રદ્ધા, અર્થાત્, “શ્રદ્ધા એટલે ગુરુ અને શાસ્ત્રોનાં વચનોમાં દૃઢ વિશ્વાસ.” ચૈતન્ય મહાપ્રભુ સમાન સમજૂતી આપતાં કહે છે: શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે સુદૃઢ નિશ્ચય (ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા, ૨.૬૨) અર્થાત, “શ્રદ્ધા શબ્દનો અર્થ છે, હરિ અને ગુરુમાં દૃઢ વિશ્વાસ. ભલે વર્તમાનમાં આપણે કદાચ તેમના ઉપદેશને સમજવા સક્ષમ ન હોઈએ.” બ્રિટીશ કવિ આલ્ફ્રેડ ટેનીસને કહ્યું છે: “જ્યાં આપણે કંઈ સાબિત ન કરી શકીએ ત્યાં કેવળ શ્રદ્ધા દ્વારા માન્યતાનો અંગીકાર કરવો જોઈએ.” આ પ્રમાણે, શ્રદ્ધા એટલે ભગવદ્ ગીતાનાં સુગમ ભાગને ગંભીરતાપૂર્વક આત્મસાત્ કરવો અને તેના ગહન ભાગનો પણ એ વિશ્વાસ સાથે સ્વીકાર કરવો કે ભવિષ્યમાં તે પણ બુદ્ધિગ્રાહ્ય થઇ જશે.

જો કે, અહંકાર એ માયિક બુદ્ધિનાં નિરંતર દોષોમાંથી એક છે. આ અહંકારને કારણે વર્તમાનમાં જે કંઈ બુદ્ધિ સમજી શકતી નથી, તેનો તે અસ્વીકાર કરી દે છે.  શ્રીકૃષ્ણનાં ઉપદેશો આત્માના કલ્યાણ અર્થે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા પ્રસ્તુત થયા છે, છતાં પણ, લોકો તેમાં દોષ દર્શન કરે છે, “ભગવાન શા માટે બધું તેમને સમર્પિત કરવાનું કહે છે? શું તેઓ લોભી છે? શું તેઓ અહંકારી છે કે અર્જુનને તેમની ભક્તિ કરવાનો ઉપદેશ આપે છે?” શ્રીકૃષ્ણ કહે છે કે આવા લોકો અચેતસ:  અર્થાત્ વિવેકહીન છે, કારણ કે તેઓ શુદ્ધ અને અશુદ્ધ, ધાર્મિક અને અધાર્મિક, સર્જક અને સર્જન, પરમસ્વામી અને દાસ વચ્ચેનું અંતર જ સમજવા માટે અસમર્થ છે. આવા લોકો પોતાનો વિનાશ નોતરે છે, કારણ કે તેઓ શાશ્વત મુક્તિના માર્ગની અવગણના કરે છે અને પરિણામે જન્મ અને મૃત્યુના ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે.