Bhagavad Gita: Chapter 3, Verse 9

યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધનઃ ।
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગઃ સમાચર ॥ ૯॥

યજ્ઞ-અર્થાત્—યજ્ઞ માટે કરેલું; કર્મણ:—કર્મથી; અન્યત્ર—અન્યથા; લોક:—જગત; અયમ્—આ; કર્મ બંધન:—કર્મ દ્વારા બંધન; તત્—તે; અર્થમ્—ને માટે; કર્મ—કર્મ; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; મુક્ત-સંગ:—આસક્તિ રહિત; સમાચર—ઉચિત રીતે કર.

Translation

BG 3.9: કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા, આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી, હે કુંતીપુત્ર! ભગવાનની પ્રસન્નતા અર્થે, ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર.

Commentary

ડાકુના હાથમાં રહેલું ચાકુ ધાકધમકી કે ખૂન કરવા માટેના શસ્ત્ર તરીકે વપરાય છે, પરંતુ એક તબીબના હાથમાં તે એક અમૂલ્ય સાધન બની જાય છે, જેનો ઉપયોગ લોકોનું જીવન બચાવવા થાય છે. ચાકુ પોતે ન તો સંહારક છે કે ન તો આશીર્વાદરૂપ છે- તેનો પ્રભાવ તેના  ઉપયોગના પ્રયોજનને આધારે નિશ્ચિત થાય છે. જેમ કે શેક્સપિયરે કહ્યું છે, “કંઈ પણ સારું કે ખરાબ નથી, પણ વિચારધારા તેને તેવું બનાવે છે.” એ જ પ્રમાણે, કર્મ સ્વયં સારું કે ખરાબ હોતું નથી. માનસિક અવસ્થાને આધારે તે કાં તો બંધનયુકત બની શકે છે અથવા તો ઉન્નતિકારક બની શકે છે. સ્વયંની ઇન્દ્રિયોના સુખ માટે અને સ્વયંના અહમ્ ની તુષ્ટિ માટે કરવામાં આવેલું કર્મ આ માયિક જગતમાં બંધનકારક બને છે, જયારે ભગવાનના સુખ માટે યજ્ઞ તરીકે કરેલું કર્મ મનુષ્યને માયાનાં બંધનોમાંથી મુક્ત કરે છે અને દિવ્ય કૃપાને આકર્ષિત કરે છે. કર્મ કરવું એ આપણી પ્રકૃતિ હોવાના કારણે આપણે બેમાંથી એક પ્રકારનું કર્મ કરવા વિવશ છીએ. આપણે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતા નથી, કારણ કે આપણું મન સ્થિર રહી શકતું નથી.

જો આપણે ભગવાનને સમર્પિત યજ્ઞ તરીકે કાર્યો કરતા નથી તો આપણે આપણા મન અને ઈન્દ્રિયોની તુષ્ટિ માટે કાર્ય કરવા વિવશ થઈએ છીએ. તેનાથી વિપરીત, જયારે આપણે યજ્ઞની જેમ સમર્પિત ભાવનાથી કર્મ કરીએ છીએ ત્યારે આપણે આ સમગ્ર જગતને અને તેમાં વ્યાપ્ત સર્વ વસ્તુઓને ભગવાનના આધિપત્યમાં રહેલી હોવાનો અનુભવ કરીએ છીએ અને તેથી તેમની સેવાર્થે તેનો ઉપયોગ કરીએ છીએ. આ અંગેનો ઉત્કૃષ્ટ આદર્શ શ્રી રામના પૂર્વજ રાજા રઘુએ સ્થાપિત કર્યો છે. રઘુએ વિશ્વજીત યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, જેમાં સ્વયંના સ્વામિત્વ હેઠળની તમામ વસ્તુઓનું દાન કરી દેવું આવશ્યક હોય છે:

                            સ વિશ્વજીતમ્ આજહ્રે યજ્ઞં સર્વસ્વ દક્ષિણમ્

                           આદાનં હિ વિસર્ગાય સતાં વારિમુચામ્ ઇવ (રઘુવંશ ૪.૮૬)

“રઘુએ એવી ભાવના સાથે વિશ્વજીત યજ્ઞ કર્યો કે, જેવી રીતે વાદળાં પોતાના સુખ માટે નહિ પરંતુ તેને પુન: પૃથ્વી પર વર્ષા કરવાનાં હેતુથી પૃથ્વી પરથી જળ એકત્રિત કરે છે. તેવી જ રીતે રાજા તરીકે જનતા પાસેથી કરવેરા તરીકે એકત્રિત કરેલું ધન, તે તેના સુખ માટે નથી પરંતુ ભગવાનના સુખ માટે છે. તેથી તેણે નિર્ણય લીધો કે તે તેની સંપત્તિનો ઉપયોગ તેના નાગરિકોની સેવા કરવા અને એ રીતે ભગવાનના સુખ માટે કરશે.” યજ્ઞ પશ્ચાત્ રઘુએ તેની સમગ્ર સંપત્તિ તેના નાગરિકોને દાનમાં આપી દીધી. તત્પશ્ચાત્, ભિક્ષુક જેવા ચીંથરા ધારણ કરી અને હાથમાં માટીનું પાત્ર લઈને તે પોતાના ભોજન માટે ભિક્ષા માંગવા નીકળી પડયો.

જયારે તે એક વૃક્ષ નીચે  વિશ્રામ કરતો હતો ત્યારે તેણે કેટલાક લોકોને ચર્ચા કરતાં સાંભળ્યાં, “આપણો રાજા કેટલો પરોપકારી છે. તેણે તેનું સર્વસ્વ દાનમાં આપી દીધું.” રઘુને પોતાની પ્રશંસા સાંભળીને અતિ પીડા થઈ અને તે બોલી ઊઠયા, “તમે શાની ચર્ચા કરી રહ્યા છો?” તે લોકોએ ઉત્તર આપ્યો, “અમે અમારા રાજાની પ્રશંસા કરી રહ્યા છીએ. આ સમગ્ર વિશ્વમાં તેમના જેવો દાનવીર અન્ય કોઈ નથી.” રઘુએ વળતો તીવ્ર ઉત્તર આપ્યો, “આવું પુન: ક્યારેય ના બોલશો. રઘુએ કાંઈ આપ્યું નથી.” લોકોએ કહ્યું, “તું કેવો માણસ છે, જે અમારા રાજાની નિંદા કરે છે? દરેક મનુષ્ય જાણે છે કે રઘુએ અર્જિત કરેલી તેની સમગ્ર સંપત્તિ દાનમાં અર્પિત કરી દીધી છે.” રઘુએ ઉત્તર આપ્યો, “જાવ અને તમારા રાજાને પૂછો કે, જયારે તે આ સંસારમાં આવ્યો ત્યારે તેની પાસે કંઈ હતું? શું તે ખાલી હાથે જન્મ્યો નથી? તો પછી તેનું શું હતું કે તેણે ત્યાગ કરી દીધો?”

કર્મયોગની આ મનોભાવના છે, જેમાં આપણે સમગ્ર સંસારને ભગવાનના સ્વામિત્વ હેઠળ જોઈએ છીએ અને તેથી આ સંસારનું સર્વ ભગવાનની સંતુષ્ટિ માટે છે. આ સમજ્યા પશ્ચાત્ આપણે આપણા કર્તવ્યોનું પાલન આપણા મન અને બુદ્ધિની તુષ્ટિ માટે નહિ પરંતુ ભગવાનના સુખાર્થે કરીશું. ભગવાન વિષ્ણુએ પ્રચેતાઓને આ પ્રકારનો ઉપદેશ આપ્યો:

                     ગૃહેષ્વાવિશતાં ચાપિ પુંસાં કુશલકર્મણામ્

                    મદ્વાર્તાયાતયામાનાં ન બન્ધાય ગૃહા મતાઃ (ભાગવતમ્ ૪.૩૦.૧૯)

“પૂર્ણ કર્મયોગી પોતાના ગૃહસ્થ જીવનના કર્તવ્યોનું પાલન કરવાની સાથે સાથે તેના પ્રત્યેક કર્મ મને સમર્પિત યજ્ઞ તરીકે કરે છે અને મને સર્વ ક્રિયાઓનો ભોક્તા માને છે. તેઓ તેમને જે કંઈ ખાલી સમય મળે તેને મારા મહિમાનું શ્રવણ અને ગાન કરવામાં વ્યતીત કરે છે. આવા લોકો આ સંસારમાં રહેતા હોવા છતાં તેમનાં કર્મોથી કદાપિ બંધાતા નથી.”