યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ ।
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ ॥ ૩૧॥
યે—જેઓ; મે—મારા; મતમ્—આદેશો; ઈદમ્—આ; નિત્યમ્—નિરંતર; અનુતિષ્ઠન્તિ—અનુપાલન કરવું; માનવા:—મનુષ્યો; શ્રદ્ધાયન્ત:—પ્રગાઢ શ્રદ્ધા સહિત; અનસૂયન્ત:—દ્વેષરહિત થઈને; મુચ્યન્તે—મુક્ત થાય છે; તે—તેઓ; અપિ—પણ; કર્મભિ:—કર્મ બંધનથી.
Translation
BG 3.31: જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે, તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
Commentary
પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ અતિ સુંદર શૈલીમાં સિદ્ધાંત શબ્દની વ્યાખ્યા મત શબ્દના રૂપે કરે છે. મત એ અંગત દૃષ્ટિકોણ છે, જયારે સિદ્ધાંત એ સાર્વભૌમિક સત્ય છે. ઉપદેશકોના મત વિભિન્ન હોઈ શકે છે પરંતુ, સિદ્ધાંત સમાન જ રહે છે. તત્ત્વજ્ઞાનીઓ અને ઉપદેશકો તેમના મતને સિદ્ધાંતનું નામ આપે છે પરંતુ, ગીતામાં ભગવાન તેમના દ્વારા વ્યાખ્યાયિત સિદ્ધાંતને મત તરીકે પ્રસ્તુત કરે છે. તેમના દૃષ્ટાંત દ્વારા તેઓ આપણને વિનમ્રતા અને સૌમ્યતાનો ઉપદેશ પ્રદાન કરે છે.
કર્મ કરવાનું આહ્વાન કરીને શ્રીકૃષ્ણ હવે ભગવદ્ ગીતાના ઉપદેશનો પૂર્ણ શ્રદ્ધા સાથે સ્વીકાર કરવાના તથા જીવનમાં તેનું અનુસરણ કરવાના મનુષ્યના ગુણ તરફ અંગુલિનિર્દેશ કરે છે. માનવ તરીકે આપણો વિશેષાધિકાર છે કે આપણે પરમ સત્યને જાણીએ અને તેને અનુરૂપ આપણા જીવનમાં સુધારો કરીએ. આ રીતે, આપણા માનસિક સંતાપો (કામ, ક્રોધ, લોભ,મોહ, મદ, મત્સર) વગેરે શાંત થઈ જાય છે.
અગાઉના શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને સ્પષ્ટ શૈલીમાં સર્વ કાર્યો તેમને સમર્પિત કરવાનું કહે છે. પરંતુ તેઓ જાણે છે કે જેઓ ભગવાનને માનતા નથી, તેઓ દ્વારા આ વિધાન ઉપહાસને પાત્ર બનશે અને તેમનાં પ્રત્યે ઈર્ષ્યા કરનારા દ્વારા ઉપાલંભ થશે. તેથી, તેઓ હવે શ્રદ્ધા સાથે આ ઉપદેશોને ગ્રહણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે. તેઓ કહે છે કે શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું અનુસરણ કરવાથી મનુષ્ય કર્મનાં બંધનથી મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ શ્રદ્ધારહિત છે, તેઓની શું દશા થશે? તેમની સ્થિતિ આગામી શ્લોકમાં વર્ણવવામાં આવી છે.