Bhagavad Gita: Chapter 3, Verse 4

ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોઽશ્નુતે ।
ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ ॥ ૪॥

ન—નહિ; કર્મણા—કર્મના; અનારમ્ભાત્—દૂર રહેવાથી; નૈષ્કર્મમ્યમ્—કર્મફળમાંથી મુક્તિ; પુરુષ:—મનુષ્ય; અશ્નુતે—પ્રાપ્ત  કરે છે; ન—નહી; ચ—અને; સંન્યસનાત્—ત્યાગ કરવાથી; એવ—કેવળ; સિદ્ધિમ્—સફળતા; સમધિગચ્છતિ—પ્રાપ્ત  કરે છે.

Translation

BG 3.4: મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે.

Commentary

આ શ્લોકની પ્રથમ પંક્તિ કર્મયોગી (કર્મના અનુયાયી) અંગે નિર્દેશ કરે છે અને દ્વિતીય પંક્તિ સાંખ્ય યોગી (જ્ઞાનના અનુયાયી) અંગે નિર્દેશ કરે છે.

શ્રીકૃષ્ણ પ્રથમ પંક્તિમાં કહે છે કે કેવળ કર્મ પ્રત્યેની વિમુખતાથી, કર્મફળમાંથી મુક્તિની અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. મન નિરંતર કર્મના ફળોનું ચિંતન કર્યા કરે છે અને કારણ કે માનસિક કાર્ય પણ કર્મનું જ રૂપ છે, તેથી તે પણ શારીરિક કર્મની જેમ જ મનુષ્યને કાર્મિક પ્રતિક્રિયાઓના બંધનમાં બાંધી દે છે. એક સાચા કર્મયોગીએ કર્મફળ પ્રત્યેની આસક્તિ વિના કર્મ કરતા અવશ્ય શીખવું જોઈએ. આ માટે બુદ્ધિમાં જ્ઞાનનું સંવર્ધન કરવું આવશ્યક છે. તેથી, કર્મયોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તત્ત્વજ્ઞાન પણ આવશ્યક છે.

દ્વિતીય પંક્તિમાં શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે, સાંખ્ય યોગી કેવળ સંસારનો ત્યાગ  કરવાથી અને સંન્યાસી બની જવાથી જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. મનુષ્ય ઇન્દ્રિયોના સાંસારિક પદાર્થોનો ત્યાગ તો કરી દે છે પરંતુ જ્યાં સુધી અંત:કરણ અશુદ્ધ છે ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાનનો ઉદય થતો નથી. મનની વૃત્તિ તેના પૂર્વવર્તી વિચારોનું પુનરાવર્તન કરવાની છે. આવું પુનરાવર્તન મનમાં એક શ્રુંખલાનું સર્જન કરે છે અને પરિણામે નવીન વિચારો પણ અનિવાર્ય રીતે સમાન દિશામાં જ ગતિ કરે છે. તેની પૂર્વવર્તી આદતોને કારણે માયિક રીતે પ્રદૂષિત થયેલું મન ચિંતા, તણાવ, ભય, ઘૃણા, ઈર્ષ્યા, આસક્તિ અને સમગ્ર માયિક ભાવુકતાની દિશામાં જ દોડયા કરે છે. આમ, કેવળ શારીરિક સંન્યાસથી અશુદ્ધ અંત:કરણમાં વાસ્તવિક જ્ઞાન પ્રગટ થતું નથી. સંન્યાસ તેને સુસંગત કર્મોથી યુક્ત હોવો જોઈએ જે મન અને બુદ્ધિને શુદ્ધ કરે છે. તેથી, સાંખ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કર્મ પણ આવશ્યક છે.

એમ કહેવાય છે કે તત્વજ્ઞાન રહિત ભક્તિ એ ભાવુકતા છે અને ભક્તિરહિત તત્વજ્ઞાન એ બૌદ્ધિક કલ્પના છે. કર્મયોગ અને સાંખ્ય યોગ બંને માટે કર્મ અને જ્ઞાન અનિવાર્ય છે. કેવળ તે બંનેના પ્રમાણની ભિન્નતા બંને માર્ગ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે.