સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥ ૩૩॥
સદૃશમ્—નાં પ્રમાણે; ચેષ્ટતે—પ્રયત્ન કરે છે; સ્વસ્યા:—તેમનાં પોતાના દ્વારા; પ્રકૃતે:—પ્રાકૃત ગુણોથી; જ્ઞાનવાન્—વિદ્વાન; અપિ—હોવા છતાં; પ્રકૃતિમ્—પ્રકૃતિ; યાન્તિ—અનુસરે છે; ભૂતાનિ—સર્વ જીવાત્માઓ; નિગ્રહ:—દમન; કિમ્—શું; કરિષ્યતિ—કરે છે.
Translation
BG 3.33: જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે?
Commentary
શ્રી કૃષ્ણ, પુન: અકર્મ કરતાં કર્મ કરવું ઉચિત છે, એ વિષય પર પાછા આવે છે. પોતાની પ્રકૃતિથી પ્રેરિત થઈને લોકો તેમના વ્યક્તિગત ગુણોને આધારે કર્મ કરવાનું વલણ ધરાવે છે. જે લોકો સૈદ્ધાંતિક રીતે આ જાણે છે, તેમના ઉપર પણ તેમનાં અનંત જન્મોનાં સંસ્કારો (વૃત્તિઓ અને પ્રભાવો), આ જન્મનું પ્રારબ્ધ અને તેમના મન અને બુદ્ધિની વ્યક્તિગત લાક્ષણિકતાઓનાં પોટલાં લદાયેલાં હોય છે. તેમને માટે આદતો અને પ્રકૃતિનાં દબાણનો પ્રતિકાર કરવો કઠિન હોય છે. જો વૈદિક શાસ્ત્રો તેમને બધા જ કાર્યોનો ત્યાગ કરીને શુદ્ધ આધ્યાત્મિકતામાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપે તો તેને કારણે અસ્થિરતા સર્જાય છે. આવું બનાવટી દમન બિનઉત્પાદક બની રહેશે. આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ઉચિત અને સુગમ માર્ગ એ છે કે આદતો અને વૃત્તિઓના પ્રચંડ આવેગનો ઉપયોગ કરીને તેમને ભગવદ્ દિશામાં સમાયોજિત કરવા જોઈએ. આપણી આધ્યાત્મિક ઉન્નતિનો પ્રારંભ આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ કરવો પડશે અને તેના માટે આપણે સૌ પ્રથમ આપણી વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને પશ્ચાત્ તેમાં સુધારો કરવો પડશે.
આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓ પણ કેવી રીતે તેમની વિશિષ્ટ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે. કીડીઓ એવું સામાજિક પ્રાણી છે, જે ત્યાગ કરીને તેના સમગ્ર સમુદાય માટે અન્નનો કણ એકત્રિત કરે છે. તેમનો આ ગુણ માનવ સમાજમાં પણ શોધવો કઠિન છે. ગાયને તેના વાછરડાં માટે એટલો મોહ હોય છે કે જો ક્ષણ માટે પણ તે નજરથી દૂર થાય તો ગાય અતિ વિચલિત થઈ જાય છે. શ્વાનો જે ગાઢ વફાદારીનો ગુણ ધરાવે છે તેમની સરખામણી ઉત્તમ મનુષ્યો સાથે પણ કરી શકાય એમ નથી. આ જ પ્રમાણે, મનુષ્યો પણ તેમની પ્રકૃતિથી સંચાલિત હોય છે. કારણ કે અર્જુન પ્રકૃતિથી જ યોદ્ધા હતો, શ્રીકૃષ્ણ તેને કહે છે, “તારો પોતાનો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધ કરવા ફરજ પાડશે.” (ભગવદ્ ગીતા ૧૮.૫૯) “તું એ તરફ તારી પોતાની વૃત્તિથી દોરવાઈશ જે તારી પ્રકૃતિમાંથી જન્મી છે.” (ભગવદ્ ગીતા ૧૮.૬૦) સાંસારિક સુખનાં લક્ષ્યને ભગવદ્-પ્રાપ્તિના લક્ષ્યમાં પરિવર્તિત કરીને આ પ્રકૃતિનું ઊર્ધ્વીકરણ કરવું જોઈએ અને આપણા નિયત કર્તવ્યોનું પાલન આસક્તિ કે ઘૃણા વિના, ભગવદ્-સેવાની ભાવના સાથે કરવું જોઈએ.