Bhagavad Gita: Chapter 3, Verse 8

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥ ૮॥

નિયતમ્—નિયત; કુરુ—કર; કર્મ—વૈદિક કર્મો; ત્વમ્—તું; કર્મ—કર્મ; જ્યાય:—શ્રેષ્ઠ; હિ—નક્કી; અકર્મણ:—કર્મ ના કરવા કરતાં; શરીર—શરીરનું; યાત્રા—પાલન; અપિ—પણ; ચ—અને; તે—તારું; ન પ્રસિદ્ધ્યેત્—સંભવ નથી; અકર્મણ:—કર્મ વિના.

Translation

BG 3.8: આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહિ બને.

Commentary

જ્યાં સુધી મન અને બુદ્ધિ ભગવદ્-ચેતનામાં પરાયણ થવાની અવસ્થાએ નથી પહોંચ્યાં, ત્યાં સુધી કર્તવ્ય પાલનના અભિગમથી શારીરિક કાર્યો કરવા એ મનુષ્યના આંતરિક શુદ્ધિકરણ માટે લાભદાયક છે. તેથી, વેદોએ મન અને ઇન્દ્રિયોને અનુશાસિત કરવામાં સહાયરૂપ થવા મનુષ્યો માટે કર્તવ્યો નિર્ધારિત કર્યા છે. વાસ્તવમાં આળસને આધ્યાત્મિક માર્ગ પર આવતા સૌથી મહાન શત્રુઓમાંથી એક ગણવામાં આવે છે:

                આલસ્ય હિ મનુષ્યાણાં શરીરસ્થો મહાન્ રિપુઃ

              નાસ્ત્યુદ્યમસમો બન્ધૂઃ કૃત્વા યં નાવસીદતિ

“આળસ માનવજાતિનો સૌથી મહાન શત્રુ છે અને વિશેષ કરીને અનિષ્ટકારક છે, કારણ કે તે તેમના શરીરમાં જ નિવાસ કરે છે. કર્મ તેમનો સૌથી વિશ્વાસુ મિત્ર છે અને તે નિશ્ચિતરૂપે અધ:પતનથી બચાવે છે.” મૂળભૂત શારીરિક ક્રિયાઓ જેવી કે ખાવું, સ્નાન કરવું અને સ્વાસ્થ્યનું જતન કરવું વગેરે માટે પણ કર્મની આવશ્યકતા રહે છે. આ અનિવાર્ય કાર્યોને નિત્ય કર્મ કહેવામાં આવે છે. આ મૂળભૂત શારીરિક નિર્વાહને લગતી ક્રિયાઓની અવગણના કરવી, એ પ્રગતિની નિશાની નથી પરંતુ આળસુ હોવાનો સંકેત છે, જે શરીર અને મન બંનેને ક્ષીણ અને દુર્બળ બનાવે છે. બીજી બાજુ, કાળજી લીધેલું અને પોષણયુક્ત શરીર આધ્યાત્મિક માર્ગ પર એક વાસ્તવિક સહયોગી બની રહે છે. આ પ્રમાણે, નિષ્ક્રિયતાની અવસ્થા ન તો સાંસારિક ઉપલબ્ધિ માટે કે ન તો આધ્યાત્મિક સિદ્ધિ માટે ઉપયુક્ત થાય છે. આપણા પોતાના આત્માની ઉન્નતિ માટે આપણે એવા કર્તવ્યોનો અંગીકાર કરવો જોઈએ, જે આપણા મન અને બુદ્ધિના ઉત્કર્ષ અને શુદ્ધિકરણ માટે સહાયરૂપ બને.