Bhagavad Gita: Chapter 3, Verse 3

શ્રીભગવાનુવાચ ।
લોકેઽસ્મિન્ દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ ।
જ્ઞાનયોગેન સાઙ્ખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ ॥ ૩॥

શ્રીભગવાન્ ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; લોકે—સંસારમાં; અસ્મિન્—આ; દ્વિવિધા—બે પ્રકારની; નિષ્ઠા—શ્રદ્ધા; પુરા—પૂર્વે; પ્રોક્તા—કહેવાયેલી; મયા—મારા (શ્રી કૃષ્ણ)વડે; અનઘ—નિષ્પાપ; જ્ઞાનયોગેન્—જ્ઞાનયોગ દ્વારા; સાંખ્યાનામ્—જ્ઞાનીઓની; કર્મયોગેન—કર્મયોગ દ્વારા; યોગિનામ્—યોગીઓની.

Translation

BG 3.3: પરમ કૃપાળુ ભગવાન બોલ્યા: હે નિષ્પાપ અર્જુન! મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન-પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે: જ્ઞાનયોગ, તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મ યોગ, તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે.

Commentary

શ્લોક સં. ૨.૩૯માં શ્રીકૃષ્ણે આધ્યાત્મિક પૂર્ણતાની દિશામાં દોરી જતા બે માર્ગોનું વર્ણન કર્યું છે. જેમાં પ્રથમ, આત્માની પ્રકૃતિ અને તેની શરીરથી ભિન્નતાના વિશ્લેષણાત્મક અધ્યયન દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ છે. શ્રીકૃષ્ણ આનો સાંખ્ય યોગ તરીકે ઉલ્લેખ કરે છે. જે લોકો દાર્શનિક મનોવલણ ધરાવે છે, તેઓ બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા આત્મજ્ઞાન-પ્રાપ્તિના આ માર્ગ તરફ રૂચિ ધરાવે છે. બીજા ક્રમે, ભગવદ્ ભક્તિની ભાવના સાથે કર્મ કરવાની પ્રક્રિયા છે અથવા તો કર્મયોગ છે. પૂર્વ શ્લોકમાં નિર્દેશ કર્યા પ્રમાણે, શ્રીકૃષ્ણ આને બુદ્ધિયોગ પણ કહે છે. આ પ્રમાણે કર્મ કરવાથી અંત:કરણની શુદ્ધિ થાય છે અને પ્રાકૃતિક રીતે જ શુદ્ધ અંત:કરણમાં જ્ઞાન જાગૃત થાય છે, જે આત્મ-સાક્ષાત્કાર તરફ પ્રવૃત્ત કરે છે.

આધ્યાત્મિક માર્ગમાં રુચિ ધરાવતા લોકોમાં ચિંતન પરાયણ અને કર્મ પરાયણ બંને પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે, જ્યારથી આત્માની ભગવદ્દ-પ્રાપ્તિની મહત્વાકાંક્ષા અસ્તિત્વ ધરાવે છે, ત્યારથી આ બંને માર્ગો પણ અસ્તિત્વમાન છે. શ્રીકૃષ્ણ આ બંને પ્રકારનાં માર્ગોનું વર્ણન કરે છે, કારણ કે તેમનો ઉપદેશ સર્વ પ્રકારનાં મનોવલણો અને વૃત્તિઓ ધરાવતા લોકોના કલ્યાણાર્થ છે.