Bhagavad Gita: Chapter 3, Verse 20-21

કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ ।
લોકસઙ્ગ્રહમેવાપિ સમ્પશ્યન્કર્તુમર્હસિ ॥ ૨૦॥
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ ૨૧॥

કર્મણા— નિયત કર્તવ્યોના પાલન દ્વારા; એવ—જ; હિ—નિશ્ચિત; સંસિદ્ધમ્—પૂર્ણતા; આસ્થિતા:—પ્રાપ્ત કરવું; જનક-આદય:—જનક અને અન્ય રાજાઓ; લોક-સંગ્રહમ્—જનસમુદાયના કલ્યાણ માટે; એવ અપિ—કેવળ; સમ્પશ્યન્—વિચાર કરીને; કર્તુમ્—કરવા માટે; અર્હસિ—યોગ્ય છે; યત્ યત્—જે જે; આચરતિ—કરે છે;  શ્રેષ્ઠ: —શ્રેષ્ઠ; તત્ તત્—કેવળ તે; એવ—નિશ્ચિત; ઈતર:—સામાન્ય; જન:—લોકો; સ:—તેઓ; યત્—જે કંઈ; પ્રમાણમ્—ધોરણો; કુરુતે—કરે છે; લોક:—વિશ્વ; તત્—તેના; અનુવર્તતે—અનુસરે છે.

Translation

BG 3.20-21: રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમનાં નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વનાં કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે.

Commentary

રાજા જનકે તેમનાં રાજા તરીકેના કર્તવ્યોનું પાલન કરીને કર્મયોગ દ્વારા સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી હતી. પૂર્ણ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યા પશ્ચાત્ પણ તેમણે તેમના સાંસારિક કર્તવ્યોનું પાલન કરવાનું નિરંતર ચાલુ રાખ્યું, કેવળ એક જ કારણે કે તેઓ સંસાર સમક્ષ એક ઉજ્જવળ અને અનુકરણીય દૃષ્ટાંત પ્રસ્થાપિત કરી શકે. અન્ય ઘણાં સંતોએ પણ આમ જ કર્યું.

માનવજાતિ એ જ ઉચ્ચ આદર્શોથી પ્રેરિત થાય છે, જેમનું આચરણ તે મહાપુરુષોનાં જીવનમાં જોવે છે. આવા અગ્રણીઓ સમાજને તેમના ઉદાહરણથી પ્રેરણા પ્રદાન કરે છે અને જનસમુદાય માટે અનુકરણ કરવા યોગ્ય એક ઉજ્જવળ દીવાદાંડી સમાન બની જાય છે. આ પ્રમાણે સામાજિક નેતાઓનું એ નૈતિક ઉત્તરદાયિત્વ છે કે તેઓ તેમનાં વચન, કર્મ અને ચરિત્રથી શેષ જનસમૂહને પ્રેરિત કરવા માટે ઉત્કૃષ્ટ દૃષ્ટાંતો પ્રસ્થાપિત કરે. જયારે ઉમદા નેતા આગળ આવીને નેતૃત્વ કરે છે ત્યારે શેષ સમાજ સ્વાભાવિક રીતે નૈતિકતા, નિ:સ્વાર્થતા, અને આધ્યાત્મિક શક્તિ તરફ ઉન્નતિ કરે છે. પરંતુ જે કાળે, સૈદ્ધાંતિક નેતૃત્વમાં શૂન્યાવકાશ સર્જાય છે ત્યારે શેષ સમાજ પાસે અનુસરણીય કોઈ આદર્શ રહેતો નથી અને તે સ્વ-કેન્દ્રિતતા, નૈતિક નાદારી અને આધ્યાત્મિક શિથિલતામાં સરી પડે છે. તેથી મહાપુરુષોએ સદા અનુકરણીય શૈલીથી કર્તવ્યોનું પાલન કરવું જોઈએ કે જેથી સંસાર માટે આદર્શ સ્થાપિત કરી શકે. ભલે તેઓ સ્વયં સિદ્ધાવસ્થાએ પહોંચી ગયા હોય અને તેમને નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવાની કોઈ આવશ્યકતા રહી ના હોય છતાં પણ એમ કરવાથી તેઓ અન્યને નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરી શકે છે.

જો સમાજના મહાન અગ્રણીઓ કર્મ-સંન્યાસી બની જશે અને કર્મોનો ત્યાગ કરી દેશે તો તેઓ અન્ય લોકો માટે ભૂલભરેલું પૂર્વદૃષ્ટાંત સ્થાપિત કરશે. તે મહાપુરુષે ભલે લોકાતીત અવસ્થા સિદ્ધ કરી લીધી હોય અને તેથી કર્મોનો ત્યાગ કરીને સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતામાં લીન થઇ શકે એમ હોય છતાં પણ, સમાજના અન્ય લોકો પોતાના ઉત્તરદાયિત્ત્વથી વિમુખ થવા તેમના આ દૃષ્ટાંતનો પલાયનવાદના બહાના તરીકે દુરુપયોગ કરશે. આવા પલાયનવાદીઓ શંકરાચાર્ય, માધવાચાર્ય, નીમ્બાર્કાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન કર્મ-સંન્યાસીઓના ઉદાહરણો પ્રસ્તુત કરે છે. તેમનાં ઉચ્ચ પદચિહ્નોનું અનુસરણ કરતા આવા ઢોંગીઓ સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરી દે છે અને સંન્યાસ ધારણ કરી લે છે. યદ્યપિ તેમણે હજી આ માટેની આવશ્યક માનસિક શુદ્ધિ પણ પ્રાપ્ત કરી હોતી નથી. ભારતમાં આપણને આવા અનેક કહેવાતા સાધુઓ મળી રહે છે. તેઓ મહાન સંન્યાસીઓની નકલ કરે છે અને સહવર્તી આંતરિક પ્રબુદ્ધતા તેમજ આનંદ વિના ભગવા વસ્ત્રો ધારણ કરી લે છે. આવા પાખંડીઓ બાહ્ય રીતે આત્યંતિક વૈરાગી હોવા છતાં તેમની પ્રકૃતિ તેમને સુખની શોધ માટે વિવશ કરી દે છે અને ભગવાનના દિવ્ય આનંદથી વંચિત હોવાના કારણે તેઓ નશીલા પદાર્થોના સેવન કરવાના અધમ કક્ષાના સુખની જાળમાં ફસાતા જાય છે. આ રીતે, તેઓ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા લોકોથી પણ નીચેના સ્તરે સરી જાય છે. જેમકે, નિમ્નલિખિત શ્લોકમાં ઉલ્લેખ છે:

બ્રહ્મ જ્ઞાન જાન્યો નહીં, કર્મ દિયે છિટકાય,

તુલસી ઐસી આત્મા સહજ નરક મહઁ જાય.

સંત તુલસીદાસ કહે છે: “જે દિવ્ય જ્ઞાન સહિતની સહવર્તી આંતરિક પ્રબુદ્ધતા વિના સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરે છે, તે શીઘ્ર નરકના માર્ગ તરફ પ્રસ્થાન કરે છે.”

તેનાથી વિપરીત, જો મહાન નેતા કર્મયોગી હોય તો કમસેકમ અનુયાયીઓ તેમનું કર્મ કરવાનું નિરંતર ચાલુ રાખશે અને કર્તવ્યપરાયણતા સાથે તેમનાં ઉત્તરદાયિત્ત્વનું પાલન કરશે. આ તેમને તેમના મન અને ઇન્દ્રિયોને અનુશાસિત કરવાનું શીખવામાં સહાયરૂપ થશે અને ધીમે ધીમે લોકાતીત અવસ્થાની દિશામાં ઉત્કર્ષ થશે. તેથી, સમાજને અનુકરણીય દૃષ્ટાંત પ્રસ્તુત કરવા શ્રી કૃષ્ણ સૂચન કરે છે કે અર્જુને કર્મયોગની સાધના કરવી જોઈએ. હવે, ઉપરોક્ત વિષયની સ્પષ્ટતા માટે તેઓ સ્વયંનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે.