દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે ।
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ ॥ ૨૫॥
દૈવમ્—સ્વર્ગીય દેવો; એવ—વાસ્તવમાં; અપરે—અન્ય; યજ્ઞમ્—યજ્ઞ; યોગિન:—આધ્યાત્મિક સાધકો; પર્યુપાસતે—ભજે છે; બ્રહ્મ—પરમ સત્ય; અગ્નૌ—અગ્નિમાં; અપરે—અન્ય; યજ્ઞમ્—યજ્ઞ; યજ્ઞેન—યજ્ઞ દ્વારા; એવ—વાસ્તવમાં; ઉપજુહ્યતિ—અર્પણ.
Translation
BG 4.25: કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય-બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ-આહુતિ અર્પણ કરે છે.
Commentary
પૂર્ણ દિવ્ય ચેતનાથી યુક્ત થઈને ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે યજ્ઞ સંપન્ન કરવો જોઈએ. આમ છતાં, લોકોના જ્ઞાનમાં ભિન્નતા હોવાના કારણે, તેઓ અલગ-અલગ પ્રકારે ભિન્ન ચેતના સાથે યજ્ઞ કરે છે. જે લોકો અલ્પ જ્ઞાનથી યુક્ત છે અને માયિક ફળની અપેક્ષા રાખે છે, તેઓ દેવતાઓને પ્રસન્ન કરવા યજ્ઞ કરે છે.
અન્ય જેઓ યજ્ઞના પ્રયોજનનાં ગહન અર્થનું જ્ઞાન ધરાવે છે, તેઓ સ્વયંને યજ્ઞ રુપે ભગવાનને સમર્પિત કરે છે. આને આત્મ-સમર્પણ અથવા આત્મ-આહુતિ અથવા ‘પોતાના આત્માને ભગવાનને સમર્પિત કરવા’ તરીકે ઓળખવામાં આવે છે. યોગી શ્રી કૃષ્ણપ્રેમ આ અંગે સુંદર વર્ણન કરે છે: “આ ધૂળિયા અને ઘોંઘાટથી ભર્યા સંસારમાં જયારે પણ કોઈ વ્યક્તિ દિવ્ય પ્રેમની જ્વાળામાં આત્મ-આહુતિ અર્પે છે, ત્યારે કૃપારુપી વિસ્ફોટ થાય છે, કારણ કે સાચી આત્મ-આહુતિ કદાપિ વ્યર્થ જતી નથી.” પરંતુ યજ્ઞમાં સ્વયંની આહુતિ અર્પવાની વિધિ શું છે? સ્વયંને ભગવાનને સંપૂર્ણ શરણાગત કરીને આ યજ્ઞ થઈ શકે છે. આ શરણાગતિના છ પ્રકારો છે, જે ૧૮.૬૬ શ્લોકમાં વર્ણવવામાં આવ્યા છે. અહીં, શ્રીકૃષ્ણ લોકો દ્વારા કરવામાં આવતા વિવિધ યજ્ઞોનું વર્ણન કરી રહ્યા છે.