Bhagavad Gita: Chapter 4, Verse 35

યજ્જ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ ।
યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥ ૩૫॥

યત્—જે; જ્ઞાત્વા—જાણીને; ન—કદી નહીં; પુન:—ફરીથી; મોહમ્—મોહ; એવમ્—એ રીતે; યાસ્યસિ—પ્રાપ્ત કરીશ; પાંડવ—અર્જુન, પાંડુપુત્ર; યેન—જેનાથી; ભૂતાનિ—જીવો; અશેષાણિ—સમગ્ર; દ્રક્ષ્યસિ—તું જોઈશ; આત્મનિ—મારામાં (શ્રીકૃષ્ણ); અથો—એ કહેવું; મયિ—મારામાં.

Translation

BG 4.35: આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરૂ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહિ. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે.

Commentary

જે રીતે અંધકાર કદાપિ સૂર્યને ઢાંકી શકતો નથી, એ જ પ્રમાણે, એક વાર જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કર્યા પશ્ચાત્, ભ્રમ આત્મા પર પુન: હાવી થઈ શકતો નથી. તદ્ વિષ્ણો: પરમં પદમં સદા પશ્યન્તિ સૂરય: “ જેણે ભગવદ્-પ્રાપ્તિ કરી લીધી છે, તેઓ નિત્ય ભગવદ્-ચેતનામાં લીન રહે છે.”

માયાના ભ્રમને કારણે આપણે વિશ્વને ભગવાનથી ભિન્ન જોઈએ છીએ અને અન્ય વ્યક્તિ આપણા સ્વાર્થની તૃપ્તિ કરે છે કે હાનિ કરે છે, તેને આધારે તેની સાથે મિત્રતા કે શત્રુતા સ્થાપિત કરીએ છીએ. પ્રબુદ્ધતા સાથે પ્રાપ્ત દિવ્ય જ્ઞાન આપણો પરિપ્રેક્ષ્ય તેમજ દૃષ્ટિકોણ પરિવર્તિત કરી દે છે. પ્રબુદ્ધ સંતો સંસારનું દર્શન ભગવાનની શક્તિ રૂપે કરે છે અને જે કંઈ તેમને પ્રાપ્ત થાય, તેનો ભગવદ્-સેવા અર્થે ઉપયોગ કરે છે. તેઓ સર્વ મનુષ્યોને ભગવાનના અંશ માને છે અને તેમનાં પ્રત્યે દિવ્ય અભિગમ ધરાવે છે. તેથી હનુમાન કહે છે:

        સીયા રામમય સબ જગ જાની, કરઉઁ પ્રનામ જોરિ જુગ પાની. (રામાયણ)

“હું સીતા અને રામના સ્વરૂપનું સર્વમાં દર્શન કરું છું અને તેથી બંને હાથ જોડીને તેમને પ્રણામ કરું છું.”