અર્જુન ઉવાચ ।
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ ।
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ॥ ૪॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; અપરમ્—પાછળથી; ભવત:—આપનો; જન્મ:—જન્મ; પરમ્—પહેલાં; જન્મ—જન્મ; વિવસ્વત:—વિવસ્વાન, સૂર્યદેવનો; કથમ્—કેવી રીતે; એતત્—આ; વિજાનીયામ્—હું જાણું; ત્વમ્—તું; આદૌ—પ્રારંભમાં; પ્રોક્તવાન્—ઉપદેશ આપ્યો; ઈતિ—એ રીતે.
Translation
BG 4.4: અર્જુને કહ્યું: આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત્ જનમ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો?
Commentary
શ્રી કૃષ્ણના કથનમાંની ઘટનાઓની આભાસી વિસંગતતાથી અર્જુન ગૂંચવાઈ ગયો. સૂર્યદેવ તો સૃષ્ટિના પ્રારંભથી અસ્તિત્વ ધરાવે છે, જયારે શ્રી કૃષ્ણ તો આ વિશ્વમાં હજી હમણાં જન્મ્યાં છે. જો શ્રી કૃષ્ણ વાસુદેવ અને દેવકીનાં પુત્ર છે, તો તેમણે ‘આ વિજ્ઞાન વિવસ્વાનને શીખવ્યું’ એ વાક્ય અર્જુનને અસંબદ્ધ પ્રતીત થાય છે. તેથી તે આ અંગે પૃચ્છા કરે છે. અર્જુનનો આ પ્રશ્ન ભગવાનના દિવ્ય અવતરણની વિભાવનાના વર્ણનનું આહ્વાન કરે છે અને શ્રી કૃષ્ણ આ અંગે આગામી શ્લોકોમાં પ્રત્યુત્તર આપે છે.