Bhagavad Gita: Chapter 4, Verse 39

શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯॥

શ્રદ્ધાવાન્—શ્રદ્ધાળુ; લભતે—પ્રાપ્ત કરે છે; જ્ઞાનમ્—જ્ઞાન; તત્-પર:—તેમાં અનુરક્ત; સંયત—સંયમિત; ઇન્દ્રિય:—ઇન્દ્રિયો; જ્ઞાનમ્—દિવ્ય જ્ઞાન; લબ્ધવા—મેળવીને; પરામ્—પરમ; શાંતિમ્—શાંતિ; અચિરેણ—વિલંબ વિના; અધિગચ્છતિ—પામે છે.

Translation

BG 4.39: તેઓ, જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે શ્રદ્ધાની વિભાવનાને જ્ઞાનના સંદર્ભમાં પ્રસ્તુત કરે છે. બધા જ આધ્યાત્મિક સત્યો શીઘ્રતાથી દૃષ્ટિગોચર થતાં નથી; તેમાંના કેટલાકની અનુભૂતિ આધ્યાત્મિક પથ પર પર્યાપ્ત ઉન્નતિ કર્યા પશ્ચાત્ જ થાય છે. જો આપણે કેવળ જેને વર્તમાનમાં ચકાસી શકાય કે મનથી ગ્રહણ કરી શકાય એનો જ સ્વીકાર કરીશું તો આપણે ઉચ્ચ આધ્યાત્મિક રહસ્યોથી વંચિત રહી જશું. વર્તમાનમાં આપણે જે સમજી શકતાં નથી તેનો સ્વીકાર કરવામાં શ્રદ્ધા સહાય કરે છે.જગદ્ગુરુ શંકરાચાર્યએ શ્રદ્ધાને નિમ્નલિખિત શબ્દોમાં વ્યાખ્યાયિત કરી છે:

                           ગુરુ વેદાન્ત વાક્યેષુ દૃઢો વિશ્વાસઃ શ્રદ્ધા

“શ્રદ્ધા અર્થાત્ ગુરુ તથા શાસ્ત્રોના શબ્દોમાં દૃઢ વિશ્વાસ.” જયારે આવી શ્રદ્ધા કોઈ અનુચિત વ્યક્તિમાં રાખવામાં આવે, ત્યારે તે વિધ્વંસક પરિણામો લાવી શકે છે. પરંતુ જયારે તે સાચા ગુરુ પ્રત્યે રાખવામાં આવે છે, ત્યારે તે શાશ્વત કલ્યાણનો માર્ગ ખોલી આપે છે.

આમ છતાં, અંધ-વિશ્વાસ એ ઈચ્છનીય વિષય નથી. કોઈપણ ગુરુ પ્રત્યે શ્રદ્ધા કેળવવા પૂર્વે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને નિશ્ચિત કરી લેવું જોઈએ કે તે ગુરુએ પરમ સત્યનો અનુભવ કર્યો છે અને તેઓ તેનું શિક્ષણ સનાતન વૈદિક ગ્રંથોને અનુસાર પ્રદાન કરે છે. એકવાર આ નિશ્ચિત થઈ જાય પશ્ચાત્ આપણે આવા ગુરુ પ્રત્યે આપણી શ્રદ્ધા પ્રગાઢ બનાવવા પ્રયાસ કરવો જોઈએ અને તેમના માર્ગદર્શન અનુસાર ભગવાનને શરણાગત થવું જોઈએ.

શ્વેતાશ્વતર ઉપનિષદ્ કહે છે:

                        યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરૌ

                        તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ (૬.૨૩)

“સર્વ પ્રકારના વૈદિક જ્ઞાનનો ભાવાર્થ એવા મનુષ્યોના હૃદયમાં પ્રગટ થાય છે, જે દૃઢ શ્રદ્ધા સાથે હરિ-ગુરુની ભક્તિમાં લીન રહે છે.”