Bhagavad Gita: Chapter 4, Verse 34

તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥ ૩૪॥

તત્—સત્ય; વિદ્ધિ—જાણવાનો પ્રયત્ન કર; પ્રણિપાતેન—સદ્દગુરુના ચરણે જઈને; પરિપ્રશ્નેન—વિનયપૂર્વક પ્રશ્નો પૂછીને; સેવયા—સેવા કરીને; ઉપદેશ્યન્તિ—શિક્ષિત કરશે; તે—તને; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞાનિન:—આત્મ-સાક્ષાત્કાર પામેલા; તત્ત્વ-દર્શિન:—સત્યના દૃષ્ટા.

Translation

BG 4.34: આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.

Commentary

એ જાણીને કે જ્ઞાનયુક્ત થઈને યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ, સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય કે, આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? શ્રીકૃષ્ણ આનો ઉત્તર આ શ્લોકમાં આપે છે. તેઓ કહે છે કે,

૧. આધ્યાત્મિક ગુરુના શરણે જાઓ,

૨. વિનમ્રતા પૂર્વક તેમને પ્રશ્નો પૂછો,

૩. તેમની સેવા કરો.

પરમ સત્ય કેવળ આપણા ચિંતનને આધારે સમજી શકાતું નથી. ભાગવતમ્ કહે છે:

                               અનાદ્યવિદ્યા યુક્તસ્ય પુરુષસ્યાત્મ વેદનમ્

                               સ્વતો ન સમ્ભવાદન્યસ્તત્ત્વજ્ઞો જ્ઞાનદો ભવેત્ (૧૧.૨૨.૧૦)

“જીવાત્માની બુદ્ધિ અનંત જન્મોથી અજ્ઞાનના વાદળોથી આચ્છાદિત છે. અવિદ્યાથી આચ્છાદિત હોવાને કારણે બુદ્ધિ કેવળ સ્વ-પ્રયાસોથી તેના અજ્ઞાનને દૂર કરી શકતી નથી. મનુષ્યે ભગવદ્-પ્રાપ્ત મહાપુરુષ કે જે પરમ સત્યને જાણે છે, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.

વૈદિક ગ્રંથોમાં આધ્યાત્મિક માર્ગમાં ગુરુની અગત્યતા અંગે પુન: પુન: ઉપદેશ આપવામાં આવ્યો છે.

                     આચાર્યવાન્ પુરુષો વેદઃ (છાન્દોગ્ય ઉપનિષદ્ ૬.૧૪.૨)

“કેવળ ગુરુ દ્વારા વેદોનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે.”

પંચદશીમાં વર્ણન છે:

                       તત્પાદામ્બુરુ હદ્વન્દ્વ સેવા નિર્મલ ચેતસામ્

                       સુખબોધાય તત્ત્વસ્ય વિવેકોઽયં વિધીયતે (૧.૨)

“સંશયનો ત્યાગ કરીને, શુદ્ધ ચિત્તથી ગુરુની સેવા કરો. તત્પશ્ચાત્ તેઓ ગ્રંથોનું જ્ઞાન તેમજ વિવેક પ્રદાન કરીને પરમાનંદ પ્રદાન કરશે.” જગદ્ગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, યાવત્ ગુરુર્ન કર્તવ્યો તાવન્મુક્તિર્ન લભ્યતે  “જ્યાં સુધી તમે ગુરુને શરણાગત થતા નથી, ત્યાં સુધી તમે માયિક શક્તિથી મુક્ત થઈ શકતા નથી.”

ભગવાનની અનેક ઉદાર કૃપાઓમાંથી અતિ ઉમદા કૃપા ત્યારે થાય છે, જયારે તેઓ આત્માનો સંપર્ક એક સાચા ગુરુ સાથે કરાવે છે. પરંતુ એક ગુરુ દ્વારા શિષ્યમાં આધ્યાત્મિક જ્ઞાનનાં સંક્રમણની ક્રિયા માયિક જ્ઞાનનાં સંક્રમણથી અતિ ભિન્ન છે. લૌકિક શિક્ષણ માટે શિક્ષક પ્રત્યે અગાધ શ્રદ્ધા હોવી આવશ્યક નથી. આ પ્રકારના જ્ઞાનનું સંક્રમણ શિક્ષકને શિક્ષણનું કેવળ મૂલ્ય ચૂકવીને પણ ખરીદી શકાય છે. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન શિક્ષાની આવી યાંત્રિક પ્રક્રિયાથી પ્રદાન કરવામાં આવતું નથી, કે ન તો એ મૂલ્ય ચૂકવીને ખરીદી શકાય છે. જયારે શિષ્યમાં દીનતાનો વિકાસ થાય છે તેમજ ગુરુ, શિષ્યની સેવા ભાવનાથી પ્રસન્ન થાય છે ત્યારે ગુરુકૃપાથી શિષ્યના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરવામાં આવે છે. તેથી જ પ્રહલાદ્ મહારાજે કહ્યું,

                      નૈષાં મતિસ્તાવદુરુક્રમાઙ્ઘ્રિં

                     સ્પૃશત્યનર્થાપગમો યદર્થઃ

                     મહીયસાં પાદ રજોઽભિષેકં

                    નિષ્કિઞ્ચનાનાં ન વૃણીત યાવત્ (ભાગવતમ્ ૭.૫.૩૨)

“જ્યાં સુધી આપણે ભગવદ્-પ્રેમી સંતોનાં ચરણ-કમળની રજથી સ્નાન કરતા નથી ત્યાં સુધી આપણને લોકાતીત અવસ્થાની અનુભૂતિ થઈ શકતી નથી.” તેથી, આ શ્લોકમાં શ્રીકૃષ્ણ, શ્રદ્ધાપૂર્વક ગુરુનો સંપર્ક કરવાની, સત્ય અંગે દીનતાપૂર્વક જિજ્ઞાસા પ્રગટ કરવાની તેમજ તેમને સેવાથી પ્રસન્ન કરવાની આવશ્યક્તાનો ઉલ્લેખ કરે છે.