Bhagavad Gita: Chapter 4, Verse 31

યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્ ।
નાયં લોકોઽસ્ત્યયજ્ઞસ્ય કુતોઽન્યઃ કુરુસત્તમ ॥ ૩૧॥

યજ્ઞ-શિષ્ટ અમૃતભુજ:—તેઓ યજ્ઞના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે; યાન્તિ—જાય છે; બ્રહ્મ—પરમ સત્ય; સનાતનમ્—નિત્ય; ન—કદી નહીં; અયમ્—આ; લોક:—લોક; અસ્તિ—છે; અયજ્ઞસ્ય—યજ્ઞ નહિ કરનારનો; કુત:—કેવી રીતે: અન્ય:—અન્ય; કુરુ-સત્-તમ—કુરુશ્રેષ્ઠ, અર્જુન.

Translation

BG 4.31: જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે કુરુશ્રેષ્ઠ! જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી.

Commentary

અગાઉ ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે, યજ્ઞ ભગવાનની પ્રસન્નતા માટે કરવો જોઈએ તથા પશ્ચાત્ તેનાં અવશેષો પ્રસાદ(કૃપા) તરીકે ગ્રહણ કરી શકાય, આ જ્ઞાન એ જ યજ્ઞનું રહસ્ય છે. ઉદાહરણ તરીકે, ભગવાનના ભક્તો ભગવાનને ભોગ ધરાવીને ભોજન ગ્રહણ કરે છે. ભોજન બનાવીને, તેને ભગવાનનાં સ્થાપન સમક્ષ મૂકીને તેઓ એ ભોજનનો સ્વીકાર કરવા ભગવાનને પ્રાર્થના કરે છે. તેઓ મનમાં એ ભાવનું ધ્યાન ધરે છે કે વાસ્તવમાં ભગવાન તેમની થાળીમાંથી ભોજન ગ્રહણ કરી રહ્યા છે. ભોગ ધરાવવાના અંતે થાળીમાં રહેલા અવશેષોનો ભગવાનના પ્રસાદ અથવા તો કૃપા સ્વરુપે સ્વીકાર કરવામાં આવે છે. આવા અમૃત સમાન પ્રસાદનું સેવન જ્ઞાન-પ્રાપ્તિ, શુદ્ધિકરણ તથા આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે.

આવા સમાન મનોભાવથી ભક્ત ભગવાનને વસ્ત્રો અર્પણ કરે છે અને પશ્ચાત્ તેને પ્રસાદ તરીકે ધારણ કરે છે. તેઓ ભગવાનની પ્રતિમાનું તેમનાં ગૃહમાં સ્થાપન કરે છે અને પશ્ચાત્ તેમાં એવા ભાવથી નિવાસ કરે છે  કે તેમનું ઘર એ ભગવાનનું મંદિર છે. જયારે પદાર્થ કે પ્રવૃત્તિ, યજ્ઞ તરીકે ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તો પશ્ચાત્ તેનાં અવશેષો અથવા તો પ્રસાદ આત્મા માટે અમૃત સમાન આશીર્વાદ બની રહે છે. ઉદ્ધવ શ્રીકૃષ્ણને કહે છે:

               ત્વયોપભુક્તસ્રગ્ગન્ધવાસોઽલઙ્કારચર્ચિતાઃ

              ઉચ્છિષ્ટભોજિનો દાસાસ્તવ માયાં જયેમ હિ (ભાગવતમ્ ૧૧.૬.૪૬)

“હું કેવળ એ જ પદાર્થ ખાઈશ, સૂંઘીશ, પહેરીશ, એમાં રહીશ અને તેની ચર્ચા કરીશ, જે પ્રથમ તમને અર્પિત કરવામાં આવ્યા હશે. આ પ્રમાણે, આ અવશેષોને તમારા પ્રસાદ તરીકે સ્વીકારીને હું સરળતાથી માયા પર વિજય પ્રાપ્ત કરી શકીશ.” જેઓ યજ્ઞ કરતા નથી, તેઓ કર્મના ફળમાં ફસાયેલા રહે છે અને નિરંતર માયાની પીડાઓ સહન કરતા રહે છે.