Bhagavad Gita: Chapter 4, Verse 13

ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ ।
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ॥ ૧૩॥

ચાતુર્વર્ણ્યમ્—માનવ સમાજની ચાર શ્રેણીઓ; મયા—મારા વડે; સૃષ્ટમ્—સર્જન થયું; ગુણ—ગુણ; કર્મ—અને કાર્યો; વિભાગશ:—વિભાજન પ્રમાણે; તસ્ય—તેના; કર્તારમ્—સર્જક; અપિ—જો કે; મામ્—મને; વિદ્ધિ—જાણ; અકર્તારમ્—અકર્તા; અવ્યયમ્—અપરિવર્તનશીલ.

Translation

BG 4.13: મનુષ્યનાં ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમનાં ચાર વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ.

Commentary

વેદો લોકોને વર્ણ અનુસાર ચાર શ્રેણીઓમાં વિભક્ત કરે છે. આ વર્ગીકરણ તેમનાં જન્મ અનુસાર નહીં પરંતુ તેમની પ્રકૃતિ અનુસાર  કરવામાં આવ્યું છે. વર્ણનું આ વૈવિધ્ય દરેક સમાજમાં જોવા મળે છે. સામ્યવાદી રાષ્ટ્રોમાં પણ જ્યાં સમાનતા સર્વોપરી સિદ્ધાંત છે ત્યાં પણ મનુષ્યોમાં વિભિન્નતા નકારી શકાતી નથી. ત્યાં કેટલાક દાર્શનિકો છે જે સામ્યવાદી દળના પ્રમુખ આયોજનકાર છે, કેટલાક લશ્કરી જવાનો રાષ્ટ્રની રક્ષા કરે છે, ખેડૂતો ખેતીવાડીમાં વ્યસ્ત રહે છે અને કારખાનાનાં કાર્યકરો પણ છે.

વૈદિક તત્ત્વજ્ઞાન આ વૈવિધ્યનું અધિક વૈજ્ઞાનિક શૈલીથી વર્ણન કરે છે. તે કહે છે કે માયિક શક્તિનું બંધારણ ત્રણ ગુણોથી થયેલું છે: સત્ત્વ ગુણ (સાત્વિક ગુણ), રજો ગુણ (રાજસિક ગુણ) અને તમો ગુણ (તામસિક ગુણ). બ્રાહ્મણો એ છે, જેમનામાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય છે. તેઓ વિદ્યા તથા પૂજા પ્રત્યે પ્રવૃત્ત હોય છે. ક્ષત્રિયોમાં રજોગુણનું પ્રાધાન્ય અધિક હોય છે અને થોડા પ્રમાણમાં સત્ત્વ ગુણ મિશ્રિત હોય છે. તેમનું માનસિક વલણ સંચાલન તેમજ પ્રબંધન પ્રત્યે પ્રવૃત્ત હોય છે. વૈશ્યમાં રજોગુણનું પ્રાધાન્ય અધિક હોય છે અને થોડા પ્રમાણમાં તમોગુણ મિશ્રિત હોય છે. તદનુસાર, તેઓ વ્યવસાય અથવા કૃષિ સંબંધી કાર્યો કરે છે. પશ્ચાત્ શુદ્ર છે, જેઓમાં તમોગુણનું વર્ચસ્વ હોય છે. તેઓ શ્રમિક વર્ગ કહેવાય છે. આ વર્ગીકરણનો સંબધ જન્મ અનુસાર પણ નથી તેમજ તે અપરિવર્તનીય પણ નથી. શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે વર્ણાશ્રમ વ્યવસ્થાનું આ વર્ગીકરણ લોકોનાં ગુણ અને પ્રવૃત્તિઓને અનુસરીને કરવામાં આવ્યું છે.

જો કે ભગવાન વૈશ્વિક યોજનાઓના રચયિતા હોવા છતાં તેઓ અકર્તા છે. આ વિષય વર્ષાનાં દૃષ્ટાંતથી સમજી શકાય. જેમ વરસાદનું જળ સમગ્ર વનમાં સમાન રીતે વરસે છે છતાં કેટલાક બીજમાંથી વટવૃક્ષ ઊગી નીકળે છે, અન્યમાંથી સુંદર પુષ્પો ખીલી ઊઠે છે અને કેટલાકમાંથી કાંટાળી ઝાડી ફૂટી નીકળે છે. વરસાદ, જે પક્ષપાત રહિત છે, તે આ તફાવત માટે ઉત્તરદાયી નથી. એ જ પ્રમાણે, ભગવાન પ્રત્યેક આત્માને કર્મ કરવા શક્તિ પ્રદાન કરે છે, પરંતુ તેઓ તે શક્તિ દ્વારા શું કરવું તેનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે; ભગવાન તેમનાં કર્મો માટે ઉત્તરદાયી નથી.