Bhagavad Gita: Chapter 4, Verse 40

અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ ।
નાયં લોકોઽસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ॥ ૪૦॥

અજ્ઞ:—અજ્ઞાની; ચ—અને; અશ્રદ્ધાન:—શ્રદ્ધારહિત; ચ—અને; સંશય—સંશયગ્રસ્ત; આત્મા—વ્યક્તિ; વિનશ્યતિ—નીચે પડે છે; ન—કદી નહીં; અયમ્—આમાં; લોક:—લોક; અસ્તિ—છે; ન—નથી; પર:—આવતા; ન—નહીં; સુખમ્—સુખ; સંશય-આત્માન:—સંશયગ્રસ્ત વ્યક્તિ.

Translation

BG 4.40: પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે. કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે.

Commentary

ભક્તિ રસામૃત સિંધુ સાધકોને તેમની શ્રદ્ધા અને જ્ઞાનની યોગ્યતાને આધારે ત્રણ કક્ષામાં વર્ગીકૃત કરે છે:

                          શાસ્ત્રે યુક્તૌ ચ નિપુણઃ સર્વથા દૃઢ નિશ્ચય:

                         પ્રૌઢશ્રદ્ધોઽધિકારી યઃ સ ભક્તાવુત્તમો મત:

                        યઃ શાસ્ત્રાદિષ્વનિપુણઃ શ્રદ્ધાવાન્સ તુ મધ્યમઃ

                       યો ભવેત્ કોમલ શ્રદ્ધઃ સ કનિષ્ઠો નિગદ્યતે (૧.૨.૧૭–૧૯)

“સર્વોત્કૃષ્ટ સાધક એ છે જે શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે અને દૃઢ શ્રદ્ધાથી સંપન્ન છે. મધ્યમ કક્ષાના સાધક એ છે જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી પરંતુ જેઓ હરિ-ગુરુ પ્રત્યે શ્રદ્ધાયુક્ત છે. નિકૃષ્ટ કક્ષાના સાધક એ છે જે ન તો શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે કે ન તો શ્રદ્ધાથી સંપન્ન છે.” ત્રીજી કક્ષા માટે શ્રીકૃષ્ણ કહે છે કે આવા મનુષ્યો આ જન્મમાં કે આવતા જન્મમાં શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી.

સંસારની પ્રવૃત્તિઓમાં પણ વિશ્વાસની કવાયત કરવી પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રી રેસ્ટોરંટમાં જાય છે અને ભોજન મંગાવે છે, ત્યારે તેને એ વિશ્વાસ હોય છે કે restaurant નાં લોકો તેને વિષ-મિશ્રિત ખોરાક આપશે નહીં. આમ છતાં, જો તે સંશયથી ઘેરાઈ જાય અને પ્રથમ પ્રત્યેક વાનગીનું રાસાયણિક પરીક્ષણ કરાવે તો તે કેવી રીતે તેના ભોજનનો આનંદ લઈ શકશે કે તેને પૂર્ણ કરી શકશે? એ જ પ્રમાણે, કોઈ પુરુષ વાળંદની દુકાને વાળ કપાવવા જાય છે અને તેની ખુરશી પર બેસે છે ત્યારે વાળંદ તેના અસ્તરાની તીક્ષ્ણ ધાર તે પુરુષની ગરદન પર ફેરવે છે. હવે જો તે પુરુષ વાળંદ પર શંકા કરે અને સંશય કરે કે તેની વૃત્તિ હત્યા કરવાની છે, તો તે સ્થિરતાથી બેસીને વાળંદને તેનું કાર્ય કરવા નહિ દે. તેથી, શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે, સંશયગ્રસ્ત મનુષ્યને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.