Bhagavad Gita: Chapter 4, Verse 41

યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસઞ્છિન્નસંશયમ્ ।
આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ॥ ૪૧॥

યોગ-સંન્યસ્ત-કર્માંણમ્—જેમણે કર્મકાંડોનો ત્યાગ કર્યો છે અને પોતાના તન, મન અને આત્મા ભગવાનને સમર્પિત કર્યા છે; જ્ઞાન—જ્ઞાન દ્વારા; સઞ્છિન્ન—દૂર કર્યા છે; સંશયમ્—સંદેહ; આત્મ-વન્તમ્—આત્મજ્ઞાનમાં સ્થિત; ન—નહીં; કર્માણિ—કર્મો; નિબધ્નન્તિ—બાંધે છે; ધનંજય—અર્જુન, સંપત્તિનો વિજેતા.

Translation

BG 4.41: હે અર્જુન! જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતાં નથી.

Commentary

કર્મમાં નિયત ધાર્મિક કર્મકાંડો તથા સામાજિક કર્તવ્ય પાલન સંબંધી ક્રિયાઓનો સમાવેશ થાય છે, ‘સંન્યાસ’ અર્થાત્ ‘પરિત્યાગ’ તથા ‘યોગ’ અર્થાત્ ‘ભગવાન સાથેનું ઐક્ય’. અહીં, શ્રીકૃષ્ણએ ‘યોગસન્યસ્તા કર્માણમ્’ શબ્દનો ઉપયોગ કર્યો છે જેનો અર્થ છે, તે લોકો જે સર્વ કર્મકાંડોનો પરિત્યાગ કરે છે તથા તેમના તન, મન અને આત્મા ભગવાનને સમર્પિત કરે છે.’ આવા મનુષ્યો તેમનાં સર્વ કાર્યો ભગવદ્-સેવા રૂપે કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે ભક્તિભાવથી કરેલા તેમનાં કર્મો તેમને બંધનરૂપ થતા નથી.

કેવળ એ જ કાર્યો મનુષ્યને કર્મ-બંધનમાં જકડી લે છે, જે મનુષ્યના અંગત સ્વાર્થ-હેતુની પૂર્તિ માટે કરવામાં આવ્યા હોય. જયારે કર્તવ્યનું પાલન કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવામાં આવ્યું હોય ત્યારે આવું કર્મ સર્વ કાર્મિક પ્રતિફળોમાંથી મુક્ત થઈ જાય છે. તેઓ શૂન્ય સાથેના ગુણાકાર સમાન છે. જો આપણે શૂન્યને દસ સાથે ગુણીએ તો પરિણામ શૂન્ય આવશે; જો આપણે શૂન્યને હજાર સાથે ગુણીશું, તો પરિણામ શૂન્ય રહેશે; અને જો આપણે શૂન્યને દસ લાખ સાથે ગુણીશું તો પણ પરિણામ તો શૂન્ય જ રહે છે. એ જ પ્રમાણે, આ સંસારમાં જે કર્મો પ્રબુદ્ધ આત્માઓ દ્વારા કરવામાં આવ્યા હોય છે, તે તેમને બાંધતા નથી, કારણ કે તે ભગવાનનાં સુખ માટે, યોગાગ્નિમાં ભગવાનને જ સમર્પિત કરી દેવામાં આવે છે. આમ, સર્વ પ્રકારના કાર્યો કરવા છતાં સંતો કર્મનાં બંધનોના નિયંત્રણથી મુક્ત રહે છે.