Bhagavad Gita: Chapter 4, Verse 12

કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ ।
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા ॥ ૧૨॥

કાંક્ષન્ત:—ઈચ્છા કરતા; કર્મણામ્—માયિક પ્રવૃત્તિઓ; સિદ્ધિમ્—સિદ્ધિ; યજન્તે—યજ્ઞો દ્વારા પૂજે છે; ઇહ—આ લોકમાં; દેવતા:—સ્વર્ગીય દેવતાઓ; ક્ષિપ્રમ્—ત્વરિત; હિ—નિશ્ચિત; માનુષે—માનવ સમાજમાં; લોકે—આ લોકમાં; સિદ્ધિ:—સફળતા; ભવતિ—થાય છે; કર્મ-જા—માયિક પ્રવૃત્તિઓથી.

Translation

BG 4.12: આ સંસારમાં, જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે, સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે.

Commentary

જે મનુષ્યો સાંસારિક લાભની કામના કરે છે તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે અને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કરે છે. સ્વર્ગીય દેવતાઓ જે વરદાન પ્રદાન કરે છે, તે માયિક અને અલ્પકાલીન હોય છે. વળી, દેવતાઓ પણ તે કેવળ પરમ પુરુષોત્તમ ભગવાન પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને જ પ્રદાન કરી શકે છે. આ સંદર્ભમાં એક ઘણી સુંદર અને સૂચક વાર્તા છે:

સંત ફરીદ ભારતીય ઈતિહાસના અતિ શક્તિશાળી બાદશાહ અકબરના દરબારમાં ગયા. ત્યાં તેઓ જનતા માટેના દરબારમાં બેસીને પ્રતીક્ષા કરવા લાગ્યા, જયારે બાજુના ખંડમાં અકબર ઈબાદત કરી રહ્યા હતા. ફરીદે બાજુના ઓરડામાં શું થઈ રહ્યું છે તે જોવા ડોકિયું કર્યું. તેમને એ સાંભળીને આશ્ચર્ય થયું કે અકબર, અલ્લાહ પાસે અધિક શક્તિશાળી સૈન્ય, વિશાળ ખજાનો અને યુદ્ધમાં વિજય માટે બંદગી કરી રહ્યા હતા. બાદશાહને ખલેલ પહોંચાડયા વિના ફરીદ રાજ દરબારમાં પાછા ફર્યા.

બંદગી પૂર્ણ કર્યા પશ્ચાત્ અકબર દરબારમાં આવ્યા અને સૌને મળ્યા. તેણે મહાન સંતને પૂછયું કે તેઓ શું ઈચ્છે છે. ફરીદે ઉત્તર આપ્યો, “હું બાદશાહ પાસે મારા આશ્રમ માટે આવશ્યક ચીજો માગવા આવ્યો હતો. પરંતુ મેં જોયું કે બાદશાહ સ્વયં ભગવાનની સમક્ષ ભિખારી છે. તો હું તેમની પાસે કોઈ સહાય માગવાને બદલે શા માટે સ્વયં ભગવાનની પ્રત્યક્ષ સહાય ના માગું?”

સ્વર્ગીય દેવતાઓ કેવળ ભગવાન દ્વારા પ્રદત્ત શક્તિઓથી જ વરદાન આપે છે. અલ્પજ્ઞાનીઓ તેમના શરણમાં જાય છે પરંતુ જેઓ બુદ્ધિશાળી છે, તેઓ સમજે છે કે મધ્યસ્થીનું શરણ લેવાનો કોઈ અર્થ નથી અને તેઓ તેમની મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે પરમાત્મા, ભગવાનનો આશ્રય લે છે. વિવિધ લોકો ઉચ્ચતર અને નિમ્નતર પ્રકારની મહત્ત્વાકાંક્ષાઓ ધરાવે છે. શ્રી કૃષ્ણ ગુણો અને કાર્યોની ચાર શ્રેણીઓનો ઉલ્લેખ કરે છે.