Bhagavad Gita: Chapter 4, Verse 15

એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ ।
કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ્ ॥ ૧૫॥

એવમ્—એ રીતે; જ્ઞાત્વા—જાણીને; કૃતમ્—કરેલું; કર્મ—કર્મ; પૂર્વે:—પ્રાચીન સમયના; અપિ—વાસ્તવમાં; મુમુક્ષુભિ:—મોક્ષના ઈચ્છુક; કુરુ—કર; કર્મ—સ્વધર્મ; એવ—નિશ્ચિત; તસ્માત્—તેથી; ત્વમ્—તું; પૂર્વે:—પૂર્વે થયેલા; પૂર્વતરમ્—પ્રાચીન સમયમાં; કૃતમ્—કરેલા.

Translation

BG 4.15: આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા. તેથી, તારે પણ તે પ્રાચીન સંતોનાં પગલાંઓને અનુસરીને પોતાનાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.

Commentary

ભગવદ્-પ્રાપ્તિનાં અભિલાષી સંતો માયિક સુખોથી પ્રેરિત થઈને કર્મ કરતા નથી. તો પછી શા માટે તેઓ આ સંસારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે? આનું કારણ એ છે કે તેઓ ભગવાનની સેવા કરવા ઈચ્છતા હોય છે અને તેમનાં સુખ અર્થે કર્મ કરવા પ્રેરિત થાય છે. અગાઉના શ્લોકનું જ્ઞાન તેમને ખાતરી આપે છે કે તેઓ સ્વયં એ કલ્યાણકારી કર્મોનાં બંધનમાં કદાપિ બંધાશે નહિ, જે કર્મો ભક્તિભાવથી સંપન્ન થયા છે. તેઓ માયાબદ્ધ જીવાત્માઓ કે જે ભગવદ્-ચેતનાથી વિમુખ થયેલા છે, તેમની પીડાઓ જોઈને કરુણાવશ કાંપી ઊઠે છે અને તેમના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કર્મ કરવા પ્રેરિત થાય છે. ગૌતમ બુદ્ધે એકવાર કહ્યું હતું: “જ્ઞાનપ્રાપ્તિ પશ્ચાત્ તમારી સમક્ષ બે વિકલ્પો હોય છે—કાં તો તમે કંઈ ન કરો અથવા તમે અન્યને જ્ઞાનપ્રાપ્તિ માટે સહાય કરો.”

આમ, સંતો કે જેમને કર્મ કરવા માટે કોઈ અંગત સ્વાર્થ હોતો નથી છતાં પણ તેઓ ભગવાનનાં સુખ માટે કર્મમાં વ્યસ્ત રહે છે. ભક્તિભાવ પૂર્ણ કર્મો ભગવદ્-કૃપાને પણ આકર્ષિત કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને એ જ કરવાનો ઉપદેશ આપે છે. અર્જુનને બંધન મુક્ત કર્મો કરવાનો ઉપદેશ આપીને શ્રી કૃષ્ણ હવે કર્મના તત્ત્વજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યાનો પ્રારંભ કરે છે.