સ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ।
ભક્તોઽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ॥ ૩॥
સ:—તે; એવ—નિશ્ચિત; અયમ્—આ; મયા—મારા વડે; તે—તને; અદ્ય—આજે; યોગ:—યોગનું વિજ્ઞાન; પ્રોક્ત:—પ્રકટ થયું; પુરાતન:—પ્રાચીન; ભક્ત:—ભક્ત; અસિ—તું છે; મે—મારો; સખા—મિત્ર; ચ—પણ; ઈતિ—માટે; રહસ્યમ્—રહસ્ય; હિ—નિશ્ચિત; એતત્—આ; ઉત્તમમ્—ઉત્તમ.
Translation
BG 4.3: તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે.
Commentary
શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે પ્રાચીન વિજ્ઞાન તેને પ્રદાન થઈ રહ્યું છે તે અસાધારણ રહસ્ય છે. વિશ્વમાં રહસ્ય બે કારણોસર જાળવી રાખવામાં આવે છે: કાં તો સ્વાર્થવશ સત્યને પોતાના પૂરતું સીમિત રખાય અથવા તો જ્ઞાનનો દુરુપયોગ થતો બચાવવાના પ્રયોજનથી તેને ગોપનીય રખાય. યોગનું વિજ્ઞાન આ બંનેમાંથી એક પણ કારણસર ગોપનીય રાખવામાં આવ્યું નથી. પરંતુ તેને સમજવા માટે પાત્રતા હોવી આવશ્યક છે. આ શ્લોકમાં તે પાત્રતા ભક્તિના રૂપમાં વ્યક્ત કરવામાં આવી છે. ભગવદ્ ગીતાના ગહન ઉપદેશની સમજણ કેવળ વિદ્વત્તા કે સંસ્કૃત ભાષામાં નિપુણતાને આધીન નથી. તેના માટે ભક્તિ આવશ્યક છે, જે જીવાત્માની ભગવાન પ્રત્યેની સૂક્ષ્મ ઈર્ષ્યાનો નાશ કરે છે અને તેને ભગવાનના સૂક્ષ્મ અંશ તરીકે તેમજ તેમના દાસ તરીકેના વિનમ્ર સ્થાનને સ્વીકારવાની પાત્રતા પ્રદાન કરે છે.
અર્જુન આ વિજ્ઞાન માટેનો ઉચિત વિદ્યાર્થી છે, કારણ કે તે ભગવાનનો પરમ ભક્ત છે. ભગવાન પ્રત્યેની ભક્તિનો અભ્યાસ નિમ્ન- લિખિત આનુક્રમિક પાંચ ભાવોમાંથી કોઈપણ ભાવથી કરી શકાય છે.
૧. શાંત ભાવ: ભગવાનનું રાજા તરીકે સમ્માન કરવું.
૨. દાસ્ય ભાવ: સ્વામીના રૂપમાં ભગવાનની દાસતાનો ભાવ.
૩. સાખ્ય ભાવ: ભગવાનને પોતાના મિત્ર માનવા.
૪. વાત્સલ્ય ભાવ: ભગવાનને પોતાનું સંતાન માનવું.
૫. માધુર્ય ભાવ: ભગવાનની આત્માના પ્રિયતમ તરીકે ભક્તિ કરવી.
અર્જુન ભગવાનની સાખ્યભાવથી ભક્તિ કરતો હતો. તેથી શ્રી કૃષ્ણ તેને સખા અને ભક્ત તરીકે ઉપદેશ આપે છે.
ભક્તિપૂર્ણ હૃદય વિના ભગવદ્ ગીતાનાં દિવ્ય ઉપદેશને સાચા અર્થમાં કોઈપણ ગ્રહણ કરી શકતું નથી. આ શ્લોક, જેઓમાં ભગવદ્-ભક્તિનો અભાવ છે, એવાં વિદ્વાનો, જ્ઞાનીઓ, યોગીઓ, તપસ્વીઓ વગેરે દ્વારા ભગવદ્ ગીતા પર લિખિત ભાષ્યોને અપ્રમાણિત સિદ્ધ કરે છે. આ શ્લોક અનુસાર, તેઓ ભક્ત ન હોવાના કારણે, અર્જુન સમક્ષ પ્રગટ કરવામાં આવેલા પરમ વિજ્ઞાનનાં ભાવાર્થને સમજવા માટે અસમર્થ છે. તેથી, તેમની ટીપ્પણી પણ દોષયુક્ત અને/અથવા અપૂર્ણ છે.