જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥ ૯॥
જન્મ—જન્મ; કર્મ—કર્મ; ચ—અને; મે—મારા; દિવ્યમ્—દિવ્ય; એવમ્—એ રીતે; ય:—જે; વેત્તિ—જાણે છે; તત્ત્વત:—સત્ય; ત્યક્તવા—ત્યજીને; દેહમ્—આ શરીર; પુન:—ફરીથી; જન્મ—જન્મ; ન—કદાપિ નહીં; એતિ—આવે છે; સ:—તે; અર્જુન—અર્જુન.
Translation
BG 4.9: હે અર્જુન! જે મારાં જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત્ સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે.
Commentary
આ શ્લોકને અગાઉના શ્લોકના પ્રકાશમાં સમજીએ. આપણું મન ભગવાનના ભક્તિયુક્ત સ્મરણમાં લીન થવાથી શુદ્ધ થાય છે. આ ભક્તિ ભગવાનના નિરાકાર કે સાકાર તત્ત્વની હોઈ શકે. નિરાકાર તત્ત્વની ભક્તિ મોટાભાગનાં લોકો માટે અમૂર્ત અને અસ્પષ્ટ હોય છે. તેઓને આવા આધ્યાત્મિક રૂપધ્યાન દરમ્યાન ધ્યાન કેન્દ્રિત કરવા અથવા તો સાનિધ્ય સ્થાપવા માટે કોઈ આધાર મળતો નથી. ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ મૂર્ત અને સરળ છે. આ પ્રકારની ભક્તિમાં ભગવાન પ્રત્યે દિવ્ય ભાવ હોવો આવશ્યક છે. શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થવા, લોકોએ ભગવાનનાં નામ, રૂપ, ગુણ, લીલા, લોક અને પરિકરો પ્રત્યે દિવ્ય ઊર્મિઓ વિકસાવવી આવશ્યક છે. ઉદાહરણાર્થ, લોકો પત્થરની મૂર્તિની ભક્તિ કરીને તેમનું મન પવિત્ર કરે છે, કારણ કે તેઓ હૃદયમાં એવી ભાવના ધારણ કરે છે કે ભગવાન આ મૂર્તિમાં નિવાસ કરે છે. આ ભાવનાઓ ભક્તનાં મનને પવિત્ર કરે છે. પ્રથમ પૂર્વજ (progenitor) મનુ કહે છે:
ન કાષ્ઠે વિદ્યતે દેવો ન શિલાયાં ન મૃત્સુ ચ
ભાવે હિ વિદ્યતે દેવસ્તસ્માત્ભાવં સમાચરેત્
“ભગવાન ન તો કાષ્ઠમાં કે ન તો પત્થરમાં નિવાસ કરે છે, પરંતુ ભક્તિપૂર્ણ હૃદયમાં નિવાસ કરે છે. તેથી, પ્રેમયુક્ત ભાવનાઓ સાથે મૂર્તિની ભક્તિ કરવી જોઈએ.”
એ જ પ્રમાણે, જો આપણે શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થવા ઈચ્છતા હોઈએ તો આપણે તેમની લીલાઓ પ્રત્યે દિવ્ય ભાવનાઓને હૃદયમાં ધારણ કરવી જોઈએ. જે ભાષ્યકારો મહાભારત અને ભગવદ્ ગીતાનું પ્રતીકાત્મક અર્થઘટન કરે છે, તેઓ શ્રી કૃષ્ણ પ્રત્યેની લોકોની શ્રદ્ધાનો આધાર નષ્ટ કરવાનો ગંભીર અન્યાય કરે છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ, ભક્તિની પ્રગાઢતા માટે તેમની લીલાઓ પ્રત્યે દિવ્ય ભાવનાઓની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે.
આવા દિવ્ય મનોભાવો વિકસિત કરવા માટે આપણે ભગવાન અને આપણા કર્મો વચ્ચેનો તફાવત સમજવો આવશ્યક છે. આપણે માયાબદ્ધ જીવાત્માઓએ હજી દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યો નથી અને તેથી આપણી તૃષ્ણાઓ હજી તૃપ્ત થઈ નથી. પરિણામે, આપણા કર્મો સ્વાર્થ અને અંગત વાસનાઓની પૂર્તિના આશયથી પ્રેરિત હોય છે. જયારે ભગવાનનાં કર્મોનો કોઈ અંગત સ્વાર્થ હોતો નથી કારણ કે તેઓ આત્મસ્વરૂપનાં અનંત આનંદમાં સદૈવ પૂર્ણ તૃપ્ત રહે છે. તેઓને કર્મો કરીને અધિક અંગત આનંદ પ્રાપ્ત કરવાની કોઈ આવશ્યકતા નથી. તેથી, ભગવાન જે કંઈ પણ કરે છે તે કેવળ માયાબદ્ધ જીવોના કલ્યાણ અર્થે કરે છે. આવાં દિવ્ય કર્મો જે ભગવાન કરે છે, તેને ‘લીલા’ કહેવામાં આવે છે; જયારે આપણા કાર્યોને ‘કર્મ’ કહેવામાં આવે છે.
આ જ પ્રમાણે, ભગવાનનો જન્મ પણ દિવ્ય છે અને આપણી જેમ એ માતાના ગર્ભથી થતો નથી. પરમાનંદથી સદૈવ પરિપૂર્ણ ભગવાનને માતાના ગર્ભમાં ઊંધા લટકવાની કોઈ આવશ્યકતા નથી. ભાગવતમ્ કહે છે:
તમદ્ભુતં બાલકમમ્બુજેક્ષણં
ચતુર્ભુજં શઙ્ખ ગદાર્યુદાયુધમ્ (૧૦.૩.૯)
“જયારે શ્રીકૃષ્ણ જન્મ પૂર્વે વાસુદેવ અને દેવકી સમક્ષ પ્રગટ થયા ત્યારે તેઓ ચતુર્ભુજ વિષ્ણુના સ્વરૂપમાં હતા.” ભગવાનનું આ વિરાટ સ્વરૂપ દેવકીના ગર્ભમાં નિશ્ચિતરૂપે નિવાસ કરી શકે તેમ ન હતું. છતાં, તેઓ દેવકીના ગર્ભમાં છે તેવી અનુભૂતિ કરાવવા તેઓ પોતાની યોગમાયા શક્તિથી દેવકીના ગર્ભને સુગમતાથી વિસ્તૃત કરતા રહ્યા. અંતે, તેઓ બહારથી પ્રગટ થયા અને એ રહસ્ય વ્યક્ત કર્યું કે, તેઓ અંદર હતા જ નહીં.
આવિરાસીદ્ યથા પ્રાચ્યાં દિશીન્દુરિવ પુષ્કલઃ (ભાગવતમ્ ૧૦.૩.૮)
“જે રીતે ચંદ્રમા રાત્રિના આકાશમાં તેની પૂર્ણ કલા સાથે પ્રગટ થાય છે, તે જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દેવકી અને વાસુદેવ સમક્ષ પ્રગટ થયા.” આ ભગવાનના જન્મનું દિવ્ય સ્વરૂપ છે. જો આપણે તેમનાં જન્મ તથા લીલાઓની દિવ્યતા પ્રત્યે શ્રદ્ધાનો વિકાસ કરીશું તો આપણે સુગમતાથી તેમનાં સાકાર સ્વરૂપની ભક્તિમાં તલ્લીન થઈ શકીશું અને આપણા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરીશું.