Bhagavad Gita: Chapter 4, Verse 26

શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ ।
શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ॥ ૨૬॥

શ્રોત્ર-આદીનિ—શ્રવણ વગેરે; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; અન્યે—અન્ય; સંયમ—સંયમ; અગ્નિષુ—યજ્ઞની અગ્નિમાં; જુહ્યતિ—અર્પણ કરે છે; શબ્દ-આદીન્—ધ્વનિ કંપનો વગેરે; વિષાયાન્—ઇન્દ્રિય-તૃપ્તિના વિષયો; અન્યે—અન્ય; ઇન્દ્રિય—ઇન્દ્રિયોની; અગ્નિષુ—અગ્નિમાં; જુહ્યતિ—અર્પણ કરે છે.

Translation

BG 4.26: અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે.

Commentary

અગ્નિ તેમાં સમર્પિત થયેલ પદાર્થનું રૂપ પરિવર્તિત કરી દે છે. બાહ્ય વૈદિક યજ્ઞોમાં, અર્પિત આહુતિઓ ભૌતિક રૂપે ભસ્મ થઈ જાય છે. આધ્યાત્મિકતાની આંતરિક સાધનામાં, અગ્નિ પ્રતીકાત્મક હોય છે. આત્મ-સંયમની અગ્નિ ઇન્દ્રિયોની કામનાઓને બાળી નાખે છે.

અહીં, શ્રીકૃષ્ણ આધ્યાત્મિક ઉન્નતિનાં બે પૂર્ણત: વિરુદ્ધ અભિગમ વચ્ચેનું અંતર સમજાવે છે. એક માર્ગ ઇન્દ્રિય-નિષેધનો છે, જેનો અભ્યાસ હઠયોગમાં કરવામાં આવે છે. આ પ્રકારનાં યજ્ઞમાં, કેવળ શારીરિક નિર્વાહ માટે આવશ્યક ક્રિયાઓને બાદ કરીને ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને સ્થગિત કરી દેવામાં આવે છે. સંકલ્પ શક્તિના બળની સહાયથી મનને ઇન્દ્રિયોમાંથી પૂર્ણત: હટાવીને અંતર્મુખી કરી દેવામાં આવે છે.

આનાથી વિપરીત ભક્તિ યોગની સાધના છે. આ બીજા પ્રકારના યજ્ઞમાં, ઇન્દ્રિયો દ્વારા સૃષ્ટિના પ્રત્યેક અણુમાં વ્યાપ્ત ભગવાનની ભવ્યતાનું અવલોકન કરવામાં આવે છે. અહીં ઇન્દ્રિયો માયિક સુખો ભોગવવાનું સાધન બની રહેતી નથી પરંતુ પ્રત્યેક પદાર્થમાં ભગવાનને જોવા માટે તેનું ઊર્ધ્વીકરણ થાય છે. ૭.૮ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: ‘રસો ‘હં અપ્સુ કૌન્તેય’  ‘અર્જુન, મને જળમાં સ્વાદ જાણ.” તદ્નુસાર, ભક્તિ યોગીઓ તેમની સર્વ ઇન્દ્રિયો—દૃશ્ય, શ્રાવ્ય, સ્વાદ, સ્પર્શ અને ગંધ—દ્વારા ભગવાનનું દર્શન કરવાની સાધના કરે છે. ભક્તિમાર્ગી યજ્ઞ હઠયોગના માર્ગથી સરળ છે; તેનું આચરણ આનંદદાયક હોય છે તથા તેમાં માર્ગમાંથી પતન થવાનો ભય અલ્પ પ્રમાણમાં રહે છે. જો કોઈ સાયકલ ચલાવી રહ્યું હોય અને ગતિને રોકવા બ્રેક દબાવે, તો તે અસંતુલિત થઈ જશે. પરંતુ જો સાયકલ ચાલક કેવળ હેન્ડલને ડાબી કે જમણી બાજુ ફેરવે તો સાયકલની ગતિ સરળતાથી અટકી જશે અને છતાં તે સ્થિરતાથી સંતુલન જાળવી શકશે.