Bhagavad Gita: Chapter 4, Verse 36

અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ ।
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સન્તરિષ્યસિ ॥ ૩૬॥

અપિ—પણ; ચેત્—જો; અસિ—તું છે; પાપેભ્ય:—પાપીઓ; સર્વેભ્ય:—સર્વમાં; પાપ-કૃત્-તમ:—સર્વાધિક પાપી; સર્વમ્—સર્વ; જ્ઞાન-પ્લવેન—દિવ્ય જ્ઞાનરૂપી નૌકા દ્વારા; એવ—નિશ્ચિત; વૃજિનમ્—પાપ; સંન્તરિષ્યસિ—તું પૂર્ણપણે પાર કરી જઈશ.

Translation

BG 4.36: જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયિક સંસારનાં ભવસાગરને પાર કરી શકે છે.

Commentary

માયિક સંસાર એક મહાસાગર સમાન છે, જેમાં પ્રાણી જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુરૂપી પ્રવાહોમાં ગોથાં ખાધા કરે છે. માયા શક્તિને કારણે ત્રણ પ્રકારના દુઃખો સહન કરવા પડે છે: આદિ-આત્મિક—વ્યક્તિના પોતાનાં શારીરિક અને માનસિક કષ્ટ; આદિ-ભૌતિક—અન્ય લોકોને કારણે ઉદ્ભવતાં કષ્ટ; આદિ-દૈવિક—પ્રાકૃતિક આપદાઓથી ઉદ્ભવતાં દુઃખ. આ પ્રકારનાં માયિક બંધનોની અવસ્થામાં આત્મા માટે કોઈ રાહતની સંભાવના હોતી નથી અને આવી દુ:ખદ પરિસ્થિતિમાં આપણા અનંત જન્મો વીતી ચૂક્યા છે. જેમ મેદાનમાં ફૂટબોલ ખેલાડીઓના પગની ઠોકર ખાતો રહે છે તેમ આત્મા તેના પુણ્ય કે પાપયુક્ત કર્મોને અનુસાર, ઉન્નત થઈને સ્વર્ગલોકમાં જાય છે; વળી, નરકવાસ જેવા નિમ્નલોકમાં પટકાય છે અને પુન: પૃથ્વીલોકમાં પાછો ફરે છે.

દિવ્ય જ્ઞાન સંસાર-સાગર પાર કરવા માટે નૌકા પ્રદાન કરે છે. અજ્ઞાની લોકો કાર્ય કરે છે અને તેનાથી બંધાઈ જાય છે. જયારે આ જ કર્મો, ભગવાનના યજ્ઞ તરીકે કરવાથી જ્ઞાની મુક્ત થઈ જાય છે. આમ, જ્ઞાન માયિક બંધનો કાપવા માટેનું સાધન છે.

કઠોપનિષદ્ કહે છે:

                                 વિજ્ઞાનસારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન્ નરઃ

                                સોઽધ્વનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણોઃ પરમં પદમ્ (૧.૩.૯)

“દિવ્ય જ્ઞાનથી તમારી મેધાને પ્રકાશિત કરો; પશ્ચાત્ આ પ્રકાશિત બુદ્ધિ દ્વારા ઉપદ્રવી મનને સંસારરૂપી મહાસાગર પાર કરવા તથા દિવ્ય ધામમાં પહોંચવા માટે નિયંત્રિત કરો.”