Bhagavad Gita: Chapter 4, Verse 37

યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરુતેઽર્જુન ।
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥ ૩૭॥

યથા—જેવી રીતે; એંધાસિ—ઇંધણને; સમિદ્ધ:—પ્રજ્વલિત; અગ્નિ:—અગ્નિ; ભસ્મ-સાત્—ભસ્મ; કુરુતે—કરી દે છે; અર્જુન—અર્જુન; જ્ઞાન-અગ્નિ:—જ્ઞાનરૂપી અગ્નિ; સર્વ-કર્માણિ—ભૌતિક કર્મના સર્વ ફળોને; ભસ્મ-સાત્—ભસ્મ; કુરુતે—કરે છે; તથા—તેવી રીતે.

Translation

BG 4.37: જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન! જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે.

Commentary

અગ્નિના તણખામાં પણ એ ગર્ભિત શક્તિ રહેલી છે કે જે પ્રચંડ જ્વાળા બની શકે છે અને દહનશીલ પદાર્થોના વિશાળ ઢગલાને બાળીને ભસ્મ કરી દે છે. ૧૬૬૬માં, લંડનમાં લાગેલી ભીષણ આગ, એક નાનકડી બેકરીમાં એક નાના અમથા તણખાને કારણે ભડકી ઉઠી હતી અને તે પ્રચંડ જ્વાળાઓમાં પરિવર્તિત થઈ ગઈ, જેમાં ૧૩,૨૦૦ ઘર, ૮૭ દેવળો અને શહેરનાં મોટાભાગના કાર્યાલયો બળીને ભસ્મ થઈ ગયા.

આપણી સાથે પણ અનંત જન્મોથી કરેલા પાપ અને પુણ્યશાળી કર્મોનાં પ્રતિફળોનું પોટલું બંધાયેલું છે. જો આપણે આ કર્મોનાં ફળો ભોગવીને તેમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરીશું તો અનેક જન્મો લાગી જશે અને તે દરમ્યાન આપણા અન્ય કર્મો સંચિત થવાની અનંત ક્રિયાઓ થતી રહેશે. પરંતુ શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે જ્ઞાનમાં એ શક્તિ છે જે આપણા કર્મોના ઢગલાને આ જ જન્મમાં બાળીને ભસ્મ કરી શકે તેમ છે. આમ થવાનું કારણ એ છે કે આત્મા અને તેના ભગવાન સાથેના સંબંધનું જ્ઞાન આપણને ભગવાનને શરણાગત થવાની દિશામાં દોરી જાય છે. જયારે આપણે ભગવાનને શરણાગત થઈ જઈએ છીએ ત્યારે તેઓ આપણા અનંત જન્મોના સંચિત કર્મોના સંગ્રહને ભસ્મ કરી નાખે છે અને આપણને માયિક બંધનમાંથી મુક્ત કરે છે.