બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ ।
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના ॥ ૨૪॥
બ્રહ્મ—બ્રહ્મ; અર્પણમ્—અર્પણ; બ્રહ્મ—બ્રહ્મ; હવિ:—આહુતિ; બ્રહ્મ—બ્રહ્મ; અગ્નૌ—હવનરૂપી અગ્નિ; બ્રહ્મણા—આત્મા દ્વારા; હુતમ્—અર્પિત; બ્રહ્મ—બ્રહ્મ; એવ—નિશ્ચિત; તેન—તેના વડે; ગન્તવ્યમ્—જવા યોગ્ય; બ્રહ્મ—બ્રહ્મ; કર્મ—કર્મમાં; સમાધિના—ભગવદ્-ચેતનામાં સંપૂર્ણ લીન.
Translation
BG 4.24: જે મનુષ્ય ભગવદ્-ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે.
Commentary
વાસ્તવમાં, સંસારના પદાર્થો ભગવાનની ભૌતિક શક્તિ માયાના બનેલા છે. શક્તિ અને શક્તિમાન એક જ છે અને ભિન્ન પણ છે. ઉદાહરણ તરીકે, પ્રકાશ એ અગ્નિની શક્તિ છે. તેને અગ્નિથી પૃથક્ પણ ગણી શકાય કારણ કે તે બહાર છે. પરંતુ તેને સ્વયં અગ્નિનો અંશ પણ ગણી શકાય છે. તેથી જ, જયારે સૂર્ય કિરણો બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે, તો લોકો કહે છે, “સૂર્ય ઉદય થયો.” અહીં, તેઓ સૂર્યકિરણોને સૂર્ય તરીકે એકસૂત્ર કરે છે. શક્તિ શક્તિમાનથી પૃથક્ પણ છે અને છતાં તેનો અંશ પણ છે.
આત્મા પણ ભગવાનની શક્તિ છે—તે આધ્યાત્મિક શક્તિ છે, જેને જીવશક્તિ કહે છે. શ્રીકૃષ્ણ આની વ્યાખ્યા શ્લોક ૭.૪ અને ૭.૫માં કરે છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું:
જીવ-તત્ત્વ— શક્તિ, કૃષ્ણ-તત્ત્વ—શક્તિમાન્
ગીતા-વિષ્ણુપુરાણઆદિ તાહાતે પ્રમાણ
(ચૈતન્ય ચરિતામૃત, આદિ લીલા, ૭.૧૧૭)
“શ્રીકૃષ્ણ શક્તિમાન છે તથા આત્મા તેમની શક્તિ છે. આનું વર્ણન ભગવદ્ ગીતા તથા વિષ્ણુ પુરાણ આદિમાં કરવામાં આવ્યું છે.”
આ પ્રમાણે, આત્મા ભગવાનનો અંશ હોવાની સાથોસાથ તેમનાથી ભિન્ન પણ છે. તેથી, જેમનું મન ભગવદ્-ચેતનામાં સંપૂર્ણપણે તલ્લીન થઈ ગયું છે, તેઓ સમગ્ર સંસારને ભગવાનથી અભિન્ન અને એકરૂપ જોવે છે. શ્રીમદ્ ભાગવતમ્ વર્ણન કરે છે:
સર્વભૂતેષુ યઃ પશ્યેદ્ભગવદ્ભાવમાત્મન:
ભૂતાનિ ભગવત્યાત્મન્યેષ ભાગવતોત્તમઃ (૧૧.૨.૪૫)
“જે ભગવાનનું સર્વત્ર અને સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે, તે સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક છે.” આવા સિદ્ધ આધ્યાત્મિક મનુષ્યો કે જેમનું મન ભગવદ્-ચેતનામાં સંપૂર્ણપણે તલ્લીન થયેલું છે તેવા મનુષ્યનો યજ્ઞ, યજ્ઞનો ઉદ્દેશ્ય, યજ્ઞની સાધન-સામગ્રી, યજ્ઞની અગ્નિ અને યજ્ઞ-કર્મ આ સર્વને ભગવાનથી અભિન્ન માનવામાં આવે છે.
જે ભાવના સાથે યજ્ઞ કરવામાં આવે છે, તેની વ્યાખ્યા કર્યા પશ્ચાત્ હવે શ્રીકૃષ્ણ આ વિશ્વમાં શુદ્ધિકરણ અર્થે લોકો દ્વારા કરવામાં આવતા વિભિન્ન પ્રકારનાં યજ્ઞોનો ઉલ્લેખ કરે છે.