Bhagavad Gita: Chapter 4, Verse 16

કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧૬॥

કિમ્—શું; કર્મ—કર્મ; કિમ્—શું; અકર્મ—અકર્મ; ઈતિ—એ રીતે; કવય:—જ્ઞાની; અપિ—પણ; અત્ર—આમાં; મોહિતા:—મોહિત થઈ જાય છે; તત્—તે; તે—તને; કર્મ—કર્મ; પ્રવક્ષ્યામિ—હું કહીશ; યત્—જેને; જ્ઞાત્વા—જાણીને; મોક્ષ્યસે—તું મુક્ત થઈશ; અશુભાત્—અશુભમાંથી.

Translation

BG 4.16: કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ.

Commentary

ધર્મના સિદ્ધાંતો અંગેનો નિર્ણય માનસિક અનુમાનોના આધારે કરી શકાય નહીં. બુદ્ધિશાળી લોકો પણ શાસ્ત્રો અને સંતો દ્વારા પ્રસ્તુત પણ દેખીતી રીતે વિરોધાભાસી લાગતા તર્કોની ભૂલભૂલામણીથી મૂંઝાઈ જાય છે. ઉદાહરણ તરીકે, વેદો અહિંસાનો ઉપદેશ આપે છે. તદનુસાર, મહાભારતમાં અર્જુન કર્મના આ જ સિદ્ધાંતનું અનુસરણ કરવા ઈચ્છે છે અને હિંસાથી દૂર રહેવા માંગે છે પણ શ્રીકૃષ્ણ કહે છે કે અહીં તેનું કર્તવ્ય હિંસામાં પ્રવૃત્ત થવાનું છે. જો સંજોગો પ્રમાણે ઉત્તરદાયિત્ત્વ પરિવર્તન પામતું રહે તો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્તિનું કર્તવ્ય સુનિશ્ચિત કરવું એ જટિલ વિષય છે. યમરાજ, મૃત્યુના દેવે કહ્યું છે:

                        ધર્મં તુ સાક્ષાદ્ ભગવત્પ્રણીતં

                       ન વૈ વિદુર્ઋષયો નાપિ દેવાઃ (શ્રીમદ્ ભાગવતમ્ ૬.૩.૧૯)

“શું ઉચિત કર્મ છે અને શું અનુચિત કર્મ છે? તેનો નિર્ણય કરવો એ મહાન ઋષિઓ અને સ્વર્ગીય દેવતાઓ માટે પણ કઠિન છે. ધર્મનું સર્જન સ્વયં ભગવાન દ્વારા થયું છે અને એકમાત્ર તેઓ જ તેના સાચા જ્ઞાતા છે.” શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ હવે તેની સમક્ષ કર્મ અને અકર્મનું ગુપ્ત વિજ્ઞાન પ્રગટ કરશે, જેના દ્વારા અર્જુન પોતાને માયિક બંધનોથી મુક્ત કરી શકશે.