Bhagavad Gita: Chapter 4, Verse 20

ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં નિત્યતૃપ્તો નિરાશ્રયઃ ।
કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિઞ્ચિત્કરોતિ સઃ ॥ ૨૦॥

ત્યકત્વા—ત્યાગ કરીને; કર્મ-ફલ-આસંઙગમ્—કર્મફળની આસક્તિ; નિત્ય—સદા; તૃપ્ત—તૃપ્ત; નિરાશ્રય—આશ્રયરહિત; કર્મણિ—કર્મમાં; અભિપ્રવૃત્ત:—પૂરેપૂરો પરોવાયેલો; અપિ—હોવા છતાં; ન—નહીં; એવ—નિશ્ચિત; કિંચિત્—કંઈ પણ; કરોતિ—કરે છે; સ:—તે.

Translation

BG 4.20: આવા લોકો, પોતાનાં કર્મનાં ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી.

Commentary

બાહ્ય દેખાવને આધારે કર્મનું વર્ગીકરણ કરી શકાય નહીં. મનની અવસ્થા કર્મ અથવા અકર્મ હોવાનું સુનિશ્ચિત કરે છે. જ્ઞાની પુરુષોના મન ભગવાનમાં લિપ્ત હોય છે. ભગવાન સાથેના ભક્તિયુક્ત ઐક્યથી તેઓ પૂર્ણ તૃપ્ત હોવાના કારણે ભગવાનને જ તેમના એકમાત્ર આશ્રય તરીકે સ્વીકારે છે તથા બાહ્ય અન્ય કોઈનો પણ આશ્રય લેતા નથી. આ માનસિક અવસ્થાને કારણે, તેમના પ્રત્યેક કર્મને અકર્મ કહેવામાં આવે છે.

આ વિષય અંગે પુરાણમાં એક સુંદર કથા છે. એક વાર વૃંદાવનની ગોપીઓ (ગોવાલણો)એ વ્રત રાખ્યું. વ્રતના ઉપવાસની વિધિ પૂર્ણ કરવા એક સાધુને ભોજન કરાવવાનું હતું. શ્રીકૃષ્ણએ તેમને મહાન ઋષિ દુર્વાસા કે જેઓ યમુના નદીના બીજા કાંઠે રહેતા હતા, તેમને ભોજન કરાવવાની સલાહ આપી. ગોપીઓએ અતિ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને પ્રયાણ કર્યું, પરંતુ તે દિવસે નદી તોફાની બની હતી અને કોઈપણ નાવિક તેમને સામે પાર લઈ જવા તૈયાર ન હતો.

ગોપીઓએ શ્રીકૃષ્ણને કોઈ ઉપાય બતાવવા કહ્યું. શ્રીકૃષ્ણએ કહ્યું, “યમુના નદીને કહો કે જો શ્રીકૃષ્ણ આજન્મ અખંડ બ્રહ્મચારી છે, તો તેમને માર્ગ આપે.” ગોપીઓ આ સાંભળીને હસવા લાગી, કારણ કે તેમને લાગતું હતું કે શ્રીકૃષ્ણ સદા તેમના પ્રત્યે મોહિત રહે છે એટલે અખંડ બ્રહ્મચારી હોવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આમ છતાં, તેમણે જ્યારે યમુના નદીને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે નદીએ તેમને માર્ગ આપ્યો તથા નદી પાર કરવા માટે તેમના માટે પુષ્પોનો સેતુ પ્રગટ થયો.

ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેઓ નદીપાર દુર્વાસા મુનિના આશ્રમમાં ગઈ. દુર્વાસા મુનિને તેમણે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરવા પ્રાર્થના કરી. એક તપસ્વી હોવાના કારણે તેમણે ભોજનનો અલ્પ અંશ જ ગ્રહણ કર્યો, જેથી ગોપીઓ નિરાશ થઈ ગઈ. તેથી, દુર્વાસા મુનિએ તેમની અપેક્ષા પૂર્ણ કરવા પોતાની ગૂઢ સિદ્ધિઓનો ઉપયોગ કરીને ગોપીઓ દ્વારા લાવવામાં આવેલું સમગ્ર ભોજન ખાઈ લીધું. ગોપીઓ તેમને આટલું બધું ખાતાં જોઇને અચંભિત થઈ ગઈ પરંતુ તેમને પ્રસન્નતા હતી કે દુર્વાસા મુનિએ તેમનું ભોજન ગ્રહણ કરવાની કૃપા કરી.

ગોપીઓએ હવે યમુના નદી પાર કરાવવા અને સામે કાંઠે પહોંચાવામાં સહાય કરવા માટે દુર્વાસા મુનિને પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, “યમુના નદીને કહો કે જો આજે દુર્વાસા મુનિએ કેવળ દુર્વા (ઘાસનો એક પ્રકાર, જે એકમાત્ર ખોરાક દુર્વાસા મુનિ આરોગતા હતા) સિવાય અન્ય કંઈ પણ ગ્રહણ કર્યું નથી તો નદી તેમને માર્ગ આપે.” ગોપીઓ પુન: હસવા લાગી, કારણ કે તેમણે દુર્વાસા મુનિને અતિશય પ્રમાણમાં ભોજન આરોગતા જોયા હતા. છતાં, તેમને અતિ આશ્ચર્ય થયું કે જયારે આ પ્રકારે યમુના નદીને વિનંતી કરવાથી નદીએ તેમને પુન: માર્ગ કરી આપ્યો.

ગોપીઓએ શ્રીકૃષ્ણને આ સર્વ પ્રસંગ પાછળનું રહસ્ય પૂછયું. શ્રીકૃષ્ણે કહ્યું કે ભગવાન તથા સંત બાહ્ય રીતે માયિક ક્રિયાઓમાં પ્રવૃત્ત હોવા છતાં આંતરિક દૃષ્ટિએ સદૈવ દિવ્ય અવસ્થામાં સ્થિત હોય છે. આમ,સર્વ પ્રકારનાં કાર્યો કરતાં હોવા છતાં તેઓ અકર્તા કહેવાય છે. ગોપીઓ સાથે બાહ્ય દૃષ્ટિએ આંતરક્રિયાઓ કરતા હોવા છતાં શ્રીકૃષ્ણ આંતરિક દૃષ્ટિએ અખંડ બ્રહ્મચારી હતા. તેમજ દુર્વાસાએ ગોપીઓ દ્વારા અર્પિત આહ્લાદક ભોજન ગ્રહણ કર્યું હોવા છતાં આંતરિક દૃષ્ટિએ તેમનું મન કેવળ દુર્વાનો જ સ્વાદ માણી રહ્યું હતું. આ બંને કર્મમાં અકર્મનાં સ્પષ્ટ ઉદાહરણ છે.