Bhagavad Gita: Chapter 4, Verse 11

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ ૧૧॥

યે—જે; યથા—જેવી રીતે; મામ્—મને; પ્રપધ્યન્તે—શરણાગત થાય છે; તાન્—તેમને; તથા—તેવી રીતે; એવ—નિશ્ચિત; ભજામિ—ફળ આપું છું; અહમ્—હું; મમ—મારા; વર્ત્મ—માર્ગને; અનુવર્તન્તે—અનુસરે છે; મનુષ્યા:—સર્વ મનુષ્યો; પાર્થ—અર્જુન,પૃથા પુત્ર; સર્વશ:—સર્વથા.

Translation

BG 4.11: જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ! સર્વ મનુષ્યો જાણતાં કે અજાણતાં મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

Commentary

અહીં, શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ પ્રત્યેક મનુષ્યને તેમના પ્રત્યેની શરણાગતિ પ્રમાણે ફળ પ્રદાન કરે છે. જેઓ ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તેમને તેઓ કર્મના સિદ્ધાંત રૂપે મળે છે—તેઓ તેમના હૃદયમાં બિરાજે છે, તેમના કર્મોની નોંધ લે છે અને તે પ્રમાણે ફળ આપે છે. પરંતુ આવા નાસ્તિક લોકો પણ તેમની સેવા કરવાથી દૂર રહી શકતા નથી; તેઓ ભગવાનની માયા શક્તિના સંપત્તિ, સુવિધાઓ, સંબંધીઓ, પ્રતિષ્ઠા વગેરે જેવા ઓછાયા હેઠળ તેની સેવા કરવા બંધાયેલા હોય છે. માયા તેમને ક્રોધ, વાસના અને લોભની પકડમાં જકડી રાખે છે. બીજી બાજુ, જેઓ તેમના મનને સાંસારિક પ્રલોભનોથી વિમુખ કરીને ભગવાનને તેમનાં લક્ષ્ય અને આશ્રય તરીકે સ્વીકારીને તેમના પ્રત્યે સન્મુખ થાય છે, તેમની દેખભાળ સ્વયં ભગવાન, જેમ એક માતા પોતાના બાળકની દેખભાળ કરે તેમ કરે છે.

શ્રી કૃષ્ણ ‘ભજામિ’ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે, ‘સેવા કરવી’. તેઓ શરણાગત જીવનાં અનંત જન્મોનાં સંચિત કર્મોનો નાશ કરીને, માયાનાં બંધનો કાપીને, માયાના અસ્તિત્ત્વનો અંધકાર દૂર કરીને તથા દિવ્ય આનંદ, દિવ્ય જ્ઞાન અને દિવ્ય પ્રેમની વર્ષા કરીને તેમની સેવા કરે છે અને જયારે ભક્ત નિષ્કામ સેવા કરવાનું શીખી જાય છે, ત્યારે ભગવાન સ્વેચ્છાએ તેમનાં પ્રેમના દાસ બની જાય છે. શ્રી રામ હનુમાનને કહે છે:

                           એકૈકસ્યોપકારસ્ય પ્રાણાન્ દાસ્યાસ્મિ તે કપે

                          શેષસ્યેહોપકારાણાં ભવામ ઋણિનો વયં (વાલ્મીકિ રામાયણ)

“હે હનુમાન! તમારી મારા પ્રત્યેની એક સેવાનું ઋણ ચૂકવવા માટે મારે મારું જીવન ન્યોછાવર કરવું પડશે. તમારા દ્વારા થયેલી અન્ય શેષ સર્વ સેવા માટે હું તમારો સનાતન ઋણી રહીશ.” આ પ્રમાણે, ભગવાન દરેકને તેમની શરણાગતિ અનુસાર ફળ પ્રદાન કરે છે.

જો ભગવાન તેમના ભક્તો પ્રત્યે આટલા કૃપાળુ છે, તો શા માટે કેટલાક લોકો તેમના બદલે સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે? ભગવાન આગામી શ્લોકમાં તેનું સ્પષ્ટીકરણ કરે છે.