Bhagavad Gita: Chapter 11, Verse 18

ત્વમક્ષરં પરમં વેદિતવ્યં
ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા
સનાતનસ્ત્વં પુરુષો મતો મે ॥ ૧૮॥

ત્વમ્—આપ; અક્ષરમ્—અવિનાશી; પરમમ્—પરમ; વેદિતવ્યમ્—જાણવા યોગ્ય; ત્વમ્—આપ; અસ્ય—આના; વિશ્વસ્ય—બ્રહ્માંડનાં; પરમ્—પરમ; નિધાનમ્—આધાર; ત્વમ્—આપ; અવ્યય:—અવિનાશી; શાશ્વત-ધર્મ-ગોપ્તા—સનાતન ધર્મના પાલક; સનાતન:—શાશ્વત; ત્વમ્—આપ; પુરુષ:—દિવ્ય પુરુષોત્તમ; મત: મે—મારો મત.

Translation

BG 11.18: હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનનો આધાર છો; આપ સનાતન ધર્મનાં શાશ્વત રક્ષક છો તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો.

Commentary

અર્જુન ઘોષણા કરે છે કે તેણે શ્રીકૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપે સર્વોપરી સ્થાનને ઓળખી લીધું છે, જેઓ સમગ્ર સૃષ્ટિનો આધાર છે અને જે સર્વ શાસ્ત્રો દ્વારા વિદિત છે. કઠોપનિષદ્દ વર્ણન કરે છે:

           સર્વે વેદા યત્ પદમામનન્તિ (૧.૨.૧૫)

“સર્વ વેદ મંત્રોનું ધ્યેય આપણને ભગવાનની દિશામાં લઈ જવાનું છે. તેઓ જ વેદોનાં અધ્યયનનો વિષય છે.”

શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:

           વાસુદેવપરા વેદા વાસુદેવપરા મખાઃ (૧.૨.૨૮)

“વૈદિક જ્ઞાનનાં સંવર્ધનનો ઉદ્દેશ્ય ભગવાન સુધી પહોંચવાનો છે. સર્વ યજ્ઞો પણ તેમની પ્રસન્નતા અર્થે થાય છે.” શ્રીકૃષ્ણને શ્રદ્ધાંજલિ આપતાં અર્જુન તેની અનુભૂતિ અભિવ્યક્ત કરે છે કે તેમની સમક્ષ ઉપસ્થિત ભગવાનનું સાકાર સ્વરૂપ, એ જ પરમ સત્ય છે કે જે સર્વ વૈદિક જ્ઞાનનો વિષય છે.