Bhagavad Gita: Chapter 11, Verse 34

દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ
કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્ ।
મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા
યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્ ॥ ૩૪॥

દ્રોણમ્—દ્રોણાચાર્ય; ચ—અને; ભીષ્મમ્—ભીષ્મ; ચ—અને; જયદ્રથમ્—જયદ્રથ; ચ—અને; કર્ણમ્—કર્ણ; તથા—વળી; અન્યાન્—અન્ય; અપિ—પણ; યોધવીરાન્—બહાદુર યોદ્ધાઓ; મયા—મારા દ્વારા; હતાન્—પહેલાંથી જ હણાયેલા; ત્વમ્—તું; જહિ—હણ; મા—નહીં; વ્યથિષ્ઠા:—વ્યથિત થા; યુદ્ધસ્વ—યુદ્ધ કર; જેતા-અસિ—તું વિજયી થઈશ; રણે—રણભૂમિમાં; સપત્નાન્—શત્રુઓ.

Translation

BG 11.34: દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર. કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ.

Commentary

કૌરવ પક્ષના અનેક યોદ્ધાઓ અત્યાર સુધી યુદ્ધમાં અપરાજિત રહ્યા હતા. જયદ્રથને વરદાન હતું કે જે તેના મસ્તકને ભૂમિ પર પાડવા માટેનું કારણ બનશે, તેનું પોતાનું મસ્તક શીઘ્રતાથી ફાટીને કટકા થઈ જશે. કર્ણ પાસે ઇન્દ્રે પ્રદાન કરેલું ‘શક્તિ’ નામનું વિશેષ શસ્ત્ર હતું, જે તેની વિપરીત કોઈનો પણ વધ કરવા સમર્થ હતું. પરંતુ તેનો ઉપયોગ કેવળ એક જ વાર થઈ શકે એમ હતો અને તેથી જ કર્ણએ તેને અર્જુનનું વેર વાળવા સુરક્ષિત રાખ્યું હતું. દ્રોણાચાર્યને સર્વ શસ્ત્રોનું જ્ઞાન હતું અને તેમને કેવી રીતે બિનપ્રભાવી કરવું તેનું કૌશલ્ય પરશુરામ પાસેથી પ્રાપ્ત થયું હતું, જેઓ સ્વયં ભગવાનના અવતાર હતા. ભીષ્મને વરદાન પ્રાપ્ત હતું કે તે ત્યારે જ મૃત્યુ પામશે જયારે તેમની ઈચ્છા હશે. અને છતાં, જો ભગવાન યુદ્ધમાં તેમનું મૃત્યુ ઈચ્છે તો તેમને કોઈ ન બચાવી શકે. એમ કહેવાય છે:

            વિન્ધ્ય ન ઈન્ધન પાઇયે, સાગર જુડૈ ન નીર

           પરૈ ઉપસ્ કુબેર ઘર, જ્યોં વિપક્ષ રઘુબીર

“જો ભગવાન રામ તમારાથી વિપરીત થવાનો નિર્ણય કરે તો તમે ભલે વિંધ્યાચળના જંગલમાં નિવાસ કરતા હો પણ અગ્નિ પ્રજ્વલિત કરવા તમને લાકડીઓ પ્રાપ્ત નહિ થાય; તમે ભલે સમુદ્રના કિનારે હો પણ ઉપયોગ માટે જળ દુર્લભ બની જાય છે; અને તમે કુબેર, સંપત્તિના દેવતાના ઘરમાં નિવાસ કરો છતાં તમને આહાર પ્રાપ્ત થશે નહિ.” આમ, જો ભગવાન ઈચ્છે તો સંરક્ષણનાં શ્રેષ્ઠ પ્રબંધો પણ મનુષ્યનું મૃત્યુ અટકાવી શકે નહિ. એ જ પ્રમાણે, શ્રીકૃષ્ણ કહે છે કે તેમણે પહેલાંથી જ પરિણામ નિશ્ચિત કરી લીધું છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે અર્જુન તેને પૂર્ણ કરવાનું માધ્યમ બને તથા તેમનું નિમિત્ત બનવાના પુરસ્કાર રૂપે તે વિજયશ્રીની કીર્તિ પ્રાપ્ત કરે. જે પ્રકારે ભક્ત ભગવાનનો મહિમાનું ગાન કરવા ઈચ્છે છે, તે જ પ્રકારે ભગવાનની પ્રકૃતિ ભક્તોના મહિમાનું ગાન કરવાની છે. તેથી, શ્રીકૃષ્ણ ઈચ્છતા નથી કે યશ પોતાને પ્રાપ્ત થાય; તેઓ ઈચ્છે છે કે યુદ્ધ પશ્ચાત્ લોકો કહે કે “અર્જુને એટલું શૌર્યપૂર્ણ યુદ્ધ કર્યું કે તેણે પાંડવોનો વિજય સુનિશ્ચિત કરી દીધો.”

આધ્યાત્મિક જીવનમાં પણ જયારે મુમુક્ષુને લાગે છે કે તે ક્રોધ, લોભ, ઈર્ષ્યા, કામ, અહંકાર જેવાં દોષો દૂર કરવા માટે અસમર્થ છે ત્યારે નાહિંમત થઈ જાય છે. તે સમયે તેમનાં ગુરુ તેમને પ્રોત્સાહિત કરે છે: “નિરાશ ન થાઓ. મનોવિકારોનો સામનો કરો, લડો અને તમે તમારા શત્રુ મન પર વિજય પ્રાપ્ત કરી શકશો કારણ કે ભગવાન તમને વિજયી બનાવવા ઈચ્છે છે. તમારા પ્રયત્નો કેવળ માધ્યમ હશે, ભગવાન સ્વયં તેમની કૃપાથી તમારો વિજય સુનિશ્ચિત કરશે.”

ભગવાનના કર્તવ્ય પાલન અંગેના આહ્વાન અંગે અર્જુનની શું પ્રતિક્રિયા હતી? આનું વર્ણન આગામી શ્લોકમાં થયું છે.