પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય
ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ ।
ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો
લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ॥ ૪૩॥
પિતા—પિતા; અસિ—આપ છો; લોકસ્ય—સમગ્ર બ્રહ્માંડના; ચર—જંગમ; અચરસ્ય—સ્થાવર; ત્વમ્—આપ; અસ્ય—આના; પૂજ્ય:—પૂજનીય; ચ—અને; ગુરૂ:—આધ્યાત્મિક ગુરુ; ગરીયાન્—મહિમાવાન; ન—નહીં; ત્વત્-સમ:—આપ સમાન; અસ્તિ—છે; અભ્યાધિક:—અધિક શ્રેષ્ઠ; કુત:—કોણ છે?; અન્ય:—અન્ય; લોક-ત્રયે—ત્રણે લોકમાં; અપિ—પણ; અપ્રતિમ-પ્રભાવ—અતુલનીય શક્તિઓના સ્વામી.
Translation
BG 11.43: આપ સંપૂર્ણ બ્રહ્માંડના, ચર તથા અચર સર્વના પિતા છો. આપ સર્વોચિત પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓનાં સ્વામી! જયારે ત્રણેય લોકોમાં આપની સમકક્ષ કોઈ નથી, તો આપથી મહાન તો કોણ હોય?
Commentary
અર્જુન કહે છે કે શ્રીકૃષ્ણ શ્રેષ્ઠતમ તથા સર્વથા વરિષ્ઠ છે. પિતા, પુત્રની તુલનામાં સદા વરિષ્ઠ હોય છે. શ્રીકૃષ્ણ પિતાઓના પણ પિતા છે....અસ્તિત્વમાન સર્વ પિતાઓના પિતા છે. એ જ પ્રમાણે, તેઓ આધ્યાત્મિક ગુરુના પણ આધ્યાત્મિક ગુરુ છે...ઉપસ્થિત સર્વ આધ્યાત્મિક ગુરુઓનાં પણ આધ્યાત્મિક ગુરુ છે. સર્વ પ્રથમ આધ્યાત્મિક ગુરુ સ્રષ્ટા બ્રહ્મા હતા, જેમણે તેમના શિષ્યને જ્ઞાન પ્રદાન કર્યું અને તે રીતે ગુરુ-શિષ્ય પરંપરા જળવાઈ રહી. પરંતુ, બ્રહ્માએ વૈદિક જ્ઞાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. શ્રીમદ્દ ભાગવતમ્ (૧.૧.૧) વર્ણવે છે: તેને બ્રહ્મ હૃદા ય આદિકવયે “શ્રીકૃષ્ણએ પ્રથમ જન્મેલા બ્રહ્માનાં હૃદયમાં વૈદિક જ્ઞાન પ્રગટ કર્યું.” આમ, તેઓ પરમ આધ્યાત્મિક ગુરુ છે.
શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:
ન તત્સમશ્ ચાભ્યધિકશ્ ચ દૃશ્યતે (૬.૮)
“ભગવાનના સમતુલ્ય કોઈપણ નથી, કે ન તો કોઈપણ તેમનાથી શ્રેષ્ઠતર છે.” શ્રીકૃષ્ણ એ જ વેદોના પરમ સ્વામી છે, તેની અનુભૂતિ કરીને અર્જુન તેમનાં અંગે ઉપરોક્ત ગુણોની ઘોષણા કરે છે.