Bhagavad Gita: Chapter 11, Verse 47

શ્રીભગવાનુવાચ ।
મયા પ્રસન્નેન તવાર્જુનેદં
રૂપં પરં દર્શિતમાત્મયોગાત્ ।
તેજોમયં વિશ્વમનન્તમાદ્યં
યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્ ॥ ૪૭॥

શ્રી ભગવાન્ ઉવાચ—પરમાનંદ ભગવાન બોલ્યા; મયા—મારા દ્વારા; પ્રસન્નેન—પ્રસન્ન થયેલાં; તવ—તને; અર્જુન—અર્જુન; ઈદમ્—આ; રૂપમ્—સ્વરૂપ; પરમ્—દિવ્ય; દર્શિતમ્—દર્શાવ્યું; આત્મ-યોગાત્—મારી યોગમાયા શક્તિથી; તેજ:-મયમ્—તેજસ્વી; વિશ્વમ્—બ્રહ્માંડ; અનન્તમ્—અનંત; આદ્યમ્—આદિ; યત્—જે; મે—મારું; ત્વત્ અન્યેન—તારા સિવાય અન્ય કોઈ; ન દૃષ્ટ- પૂર્વમ્—પૂર્વે કોઈએ જોયું નથી.

Translation

BG 11.47: પરમાનંદ ભગવાન બોલ્યા: અર્જુન, તારા પર પ્રસન્ન થઈને, મારી યોગમાયા શક્તિથી મેં મારા દૈદીપ્યમાન, અનંત અને આદ્ય વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી.

Commentary

અર્જુન ભયભીત થઈ ગયો હતો અને વિશ્વરૂપ છુપાવી દેવા માટે વિનવણીઓ કરતો હોવાથી શ્રીકૃષ્ણ તેને ભયભીત થવાની કોઈ આવશ્યકતા નથી એમ સમજાવીને શાંત કરે છે. તેમણે દંડ સ્વરૂપે નહીં, પરંતુ અર્જુન પર અતિ પ્રસન્ન થઈને પોતાની કૃપા દ્વારા વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં છે. આ સ્વરૂપનાં દર્શન કરનાર અર્જુન સર્વ પ્રથમ છે, એમ કહીને તેઓ તેમની ઉક્તિ પર ભાર મૂકીને દર્શાવે છે કે આ દર્શન કેટલાં દુર્લભ છે. યદ્યપિ દુર્યોધન અને યશોદાને પણ વિશ્વરૂપની ઝાંખી કરાવવામાં આવી હતી, પરંતુ તેમાં આટલી તીવ્રતા, ગહનતા અને પરિમાણ ન હતાં.

શ્રીકૃષ્ણે પોતાની યોગમાયાની શક્તિ દ્વારા અર્જુનને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી. ભગવાનની આ દિવ્ય સર્વ-શક્તિમાન શક્તિ છે. તેનો ઉલ્લેખ ભગવાને અનેક સ્થાને કર્યો છે, જેમ કે શ્લોક સં. ૪.૫ અને ૭.૨૫. આ યોગમાયા શક્તિના પ્રભાવથી ભગવાન કર્તુમકર્તુમ્ અન્યથા કર્તુમ્ સમર્થઃ  “એક જ સમયે સંભવ હોય તે કરે, અસંભવ હોય તે કરે અને તેનાથી વિપરીત કરે.” ભગવાનની આ દિવ્ય શક્તિ સાકાર સ્વરૂપમાં પણ પ્રગટ થાય છે અને હિંદુ ધર્મમાં બ્રહ્માંડની દિવ્ય જગન્માતા સ્વરૂપે, રાધા, દુર્ગા, લક્ષ્મી, સીતા, પાર્વતી વગેરે રૂપે પૂજાય છે.