Bhagavad Gita: Chapter 11, Verse 23

રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં
મહાબાહો બહુબાહૂરુપાદમ્ ।
બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં
દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્ ॥ ૨૩॥

રૂપમ્—સ્વરૂપ; મહત્—પ્રભાવી; તે—આપનું; બહુ—અનેક; વક્ત્ર—મુખ; નેત્રમ્—નેત્રો; મહા-બાહો—બળવાન ભુજાઓધારી ભગવાન; બહુ—અનેક; બાહુ—ભુજાઓ; ઊરુ—જાંઘો; પાદમ્—ચરણો; બહુ-ઉદરમ્—અનેક ઉદરો; બહુ-દન્ષ્ટ્રા—અનેક દાંત; કરાલમ્—ભયંકર; દૃષ્ટ્વા—જોઇને; લોકા:—સર્વ લોકો; પ્રવ્યથિતા:—ભયભીત થયેલા; તથા—તેમજ; અહમ્—હું.

Translation

BG 11.23: હે સર્વશક્તિમાન ભગવાન, આપનાં આ અનેક મુખ, નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપને જોઈને સર્વ લોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું.

Commentary

ભગવાનના અસંખ્ય હસ્તો, ચરણો, મુખ તથા ઉદરો સર્વત્ર છે. શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:

            સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત્

           સ ભૂમિં વિશ્વતો વૃત્વાત્યતિષ્ઠદ્દશાઙ્ગુલમ્ (૩.૧૪)

“પરમ તત્ત્વના સહસ્ર મસ્તકો, સહસ્ર નેત્રો તથા સહસ્ર ચરણો છે. તેમણે સમગ્ર બ્રહ્માંડને સ્વયંના આવરણમાં સમેટી લીધું છે, છતાં તેનાથી તેઓ ગુણાતીત છે. તેઓ સર્વ મનુષ્યોમાં નાભિથી દસ આંગળીઓ ઉપર હૃદય-કમળમાં નિવાસ કરે છે.” જેઓ તેમને જોઈ રહ્યા છે અને જે જોઈ ચૂક્યા છે, જેઓ ભયભીત છે અને ભયગ્રસ્ત થઈ રહ્યા છે, તે સર્વ ભગવાનનાં વિશ્વરૂપની અંતર્ગત છે. પુન: કઠોપનિષદ્દ વર્ણવે છે:

             ભયાદસ્યાગ્નિસ્તપતિ ભયાત્ તપતિ સૂર્યઃ

            ભયાદિન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતિ પઞ્ચમઃ (૨.૩.૩)

“ભગવાનના ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને સૂર્ય પ્રકાશિત થાય છે. તેમના ભયથી વાયુ પ્રવાહિત થાય છે તથા ઇન્દ્ર વર્ષાનું કારણ બને છે. મૃત્યુના દેવ, યમરાજ પણ તેમની સમક્ષ થરથર કાંપે છે.”