Bhagavad Gita: Chapter 11, Verse 2

ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા ।
ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્ ॥ ૨॥

ભવ—અવતાર; અપ્યયૌ—અદૃશ્ય; હિ—ખરેખર; ભૂતાનામ્—સર્વ જીવંત પ્રાણીઓ; શ્રુતૌ—સાંભળવામાં આવ્યાં છે; વિસ્તરશ:—વિસ્તૃત રીતે; મયા—મારા દ્વારા; ત્વત્ત:—આપની પાસેથી; કમલ-પત્ર-અક્ષ—કમળ સમાન આંખો; માહાત્મ્યમ્—મહિમા; અપિ—પણ; ચ—અને; અવ્યયમ્—અક્ષય.

Translation

BG 11.2: હે કમળ નયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યો છે.

Commentary

અર્જુન સમગ્ર માયિક સૃષ્ટિના પ્રાગટયમાં ઉત્પત્તિ તથા લયના સ્ત્રોત શ્રીકૃષ્ણના સર્વોપરી સ્થાનની સુનિશ્ચિતતા સાથે તેમના મહિમાની નિરંતર પ્રશંસા કરે છે. તે શ્રીકૃષ્ણને કમલપત્રાક્ષ કહીને સંબોધન કરે છે ,અર્થાત્ ‘જેમનાં નયન કમળ સમાન વિશાળ, કોમળ તથા સુંદર છે તથા મધુરતા અને મૃદુતાના ગુણોથી સંપન્ન છે.’

ઉપરોક્ત શ્લોક દ્વારા અર્જુન સૂચવે છે કે “હે શ્રીકૃષ્ણ! મેં આપની પાસેથી આપના અવિનાશી ભવ્ય મહિમાનું શ્રવણ કર્યું છે. યદ્યપિ આપ સર્વની અંદર વિદ્યમાન છો, તથાપિ આપ તેમની અપૂર્ણતાથી પૃથક્ અને નિષ્કલંક રહો છો. યદ્યપિ આપ પરમ નિયંતા છો, તથાપિ આપ અકર્તા છો તથા અમારા કર્મો મારે ઉત્તરદાયી નથી. યદ્યપિ આપ અમારાં કર્મોનાં ફળ પ્રદાન કરો છો, પણ સર્વ માટે નિષ્પક્ષ તથા એકસમાન રહો છો. આપ પરમ સાક્ષી છો તથા અમારાં કર્મોના ફળનાં પ્રબંધક છો. આથી, હું લાઘવમાં કહું છું કે આપ સર્વ પ્રાણીઓ દ્વારા આરાધનાનું પરમ લક્ષ્ય છો.”