Bhagavad Gita: Chapter 11, Verse 37

કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્
ગરીયસે બ્રહ્મણોઽપ્યાદિકર્ત્રે ।
અનન્ત દેવેશ જગન્નિવાસ
ત્વમક્ષરં સદસત્તત્પરં યત્ ॥ ૩૭॥

કસ્માત્—શાથી; ચ—અને; તે—આપને; ન નમેરન્—નમસ્કાર કરવા જોઈએ નહીં; મહા-આત્મન્—મહાપુરુષ; ગરીયસે—જે શ્રેષ્ઠતર છે; બ્રહ્મણ:—બ્રહ્માજીથી; અપિ—પણ; આદિ-કર્ત્રે—પરમ સ્રષ્ટાને; અનન્ત—અસીમ; દેવ-ઈશ—દેવોના ઈશ્વર; જગત્-નિવાસ—જગદાધાર; ત્વમ્—આપ; અક્ષરમ્—અવિનાશી; સત્-અસત્—પ્રગટ અને અપ્રગટ; તત્—તે; પરમ્—પર; યત્—જે.

Translation

BG 11.37: હે મહાત્મા, જે બ્રહ્મા આદિ સ્રષ્ટાથી પણ મહાન છે, તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અંનત, હે દેવતાઓનાં ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો.

Commentary

પાછલા શ્લોકમાં ઉલ્લેખિત વર્તન શા માટે ઉચિત છે, તેને ચાર શ્લોકોમાં સમર્થન આપતાં અર્જુન કસ્માચ્ચ તેન, અર્થાત્ “શા માટે તેઓ ન કરે” શબ્દોનો ઉપયોગ કરે છે. જયારે સમગ્ર સર્જન તેમનામાંથી પ્રગટ થાય છે, તેમના દ્વારા તેનું પોષણ થાય છે અને પુન: તેમનામાં વિલીન થાય છે, તે પરમેશ્વર ભગવાનને સર્વ જીવંત પ્રાણીઓ શા માટે વિનમ્રતાથી કૃતજ્ઞતા અર્પિત ન કરે? સૃષ્ટિમાં જે કંઈ પ્રગટ છે તે સર્વ ભગવાન છે કારણ કે તે સર્વ ભગવાનની શક્તિ છે. જે કંઈ શેષ અપ્રગટ છે તેમાં પણ ભગવાન જ વ્યાપ્ત છે કારણ કે તે તેમની સુષુપ્ત શક્તિ છે. અને છતાં, તેઓ પ્રગટ અને અપ્રગટ બંનેથી પર છે કારણ કે તેઓ પરમ શક્તિમાન છે—સર્વ શક્તિઓનાં પરમ સ્વામી તથા સ્રોત છે. તેથી, માયિક શક્તિ કે જીવાત્મા કદાપિ તેમની વિભૂતિ, કે જે બંનેથી પર છે, તેને પ્રભાવિત કરી શકતા નથી.

અર્જુન વિશેષ ઉલ્લેખ કરતા કહે છે કે શ્રીકૃષ્ણ દ્વિતીય સર્જક બ્રહ્મા કરતાં પણ મહાન છે કારણ કે બ્રહ્માંડમાં બ્રહ્મા સર્વાધિક વરિષ્ઠ છે. સર્વ પ્રાણીઓ બ્રહ્માની સંતતિ છે અથવા તો તેમની સંતતિના વંશજ છે. આમ છતાં, બ્રહ્મા પોતે ભગવાન વિષ્ણુ, જે શ્રીકૃષ્ણનું વિસ્તરણ છે, તેમની નાભિમાંથી ખીલેલા કમળમાંથી જન્મ્યા છે. તેથી, જો બ્રહ્મા સંસારના સર્વાધિક વરિષ્ઠ પ્રપિતામહ છે, તો શ્રીકૃષ્ણ બ્રહ્માના પિતામહ છે. તેથી એ ઉચિત છે કે બ્રહ્મા તેમને પ્રણામ કરે છે.