ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા ।
દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ॥ ૮॥
ન—નહીં; તુ—પરંતુ; મામ્—મને; શક્યસે—તું સમર્થ છે; દ્રષ્ટુમ્—જોવું; અનેન—આ સાથે; એવ—પણ; સ્વ-ચક્ષુષા—તારા ચર્મચક્ષુ સાથે; દિવ્યમ્—દિવ્ય; દદામિ—હું આપું; તે—તને; ચક્ષુ:—આંખો; પશ્ય—જો; મે—મારાં; યોગમ્ ઐશ્વરમ્—અચિંત્ય યોગ સામર્થ્ય.
Translation
BG 11.8: પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી, હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય જો.
Commentary
પરમ પુરુષોત્તમ ભગવાન જયારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે તેમના સ્વરૂપો બે પ્રકારના હોય છે: એક માયિક સ્વરૂપ, જેનું દર્શન માયિક આંખો દ્વારા કરી શકાય છે અને બીજું છે તેમનું દિવ્ય સ્વરૂપ, જેનું દર્શન કેવળ દિવ્ય દૃષ્ટિથી કરી શકાય છે. તેથી, મનુષ્યો તેમના પૃથ્વી પરના અવતાર સમયે તેમને જોવે તો છે, પરંતુ તેઓ કેવળ તેમનું માયિક સ્વરૂપ જોવે છે. તેમનું દિવ્ય સ્વરૂપ ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. એ જ કારણ છે કે ભગવાન જયારે આ માયિક જગતમાં અવતાર ધારણ કરે છે ત્યારે જીવાત્માઓ શા માટે તેમને ઓળખી શકતા નથી. શ્રીકૃષ્ણે આ જ વિષયનો ઉલ્લેખ શ્લોક સં. ૯.૧૧માં કર્યો છે: “જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતાર ધારણ કરું છું, ત્યારે અજ્ઞાની મનુષ્યો મને જાણવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓનાં પરમ સ્વામી તરીકેની મારી વિભૂતિની દિવ્યતા અંગે જાણતા નથી.” લોકો જે જોવે છે, તે દિવ્ય અવતારનું કેવળ માયિક સ્વરૂપ હોય છે.
આ જ સિદ્ધાંત તેમના વિશ્વરૂપને લાગુ પડે છે. આગલા બે શ્લોકોમાં શ્રીકૃષ્ણ અર્જુનને વિરાટરૂપના દર્શન કરવાનો નિર્દેશ આપે છે, પરંતુ અર્જુન તે જોઈ શકતો નથી, કારણ કે તેનાં ચક્ષુઓ માયિક છે. ચર્મચક્ષુ એ વિશ્વરૂપનું દર્શન કરવા માટે અપર્યાપ્ત છે અને સાધારણ બુદ્ધિ તેને સમજવા માટે અસમર્થ છે. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ હવે દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરશે, જેના દ્વારા સર્વ ઐશ્વર્ય સહિતના તેમના વિશ્વરૂપના દર્શન કરવાનું શક્ય બનશે.
દિવ્ય આધ્યાત્મિક દૃષ્ટિના પ્રદાનનું કાર્ય ભગવદ્-કૃપા દ્વારા સંપન્ન થાય છે. તેમની કૃપા દ્વારા, ભગવાન તેમના દિવ્ય ચક્ષુને જીવાત્માના માયિક ચક્ષુ સાથે જોડી દે છે; તેઓ તેમના દિવ્ય મનને જીવાત્માના માયિક મન સાથે જોડી દે છે; તેઓ તેમની દિવ્ય બુદ્ધિને જીવાત્માની માયિક બુદ્ધિ સાથે જોડી દે છે. પશ્ચાત્, ભગવાનની દિવ્ય ઈન્દ્રિયો, મન તથા બુદ્ધિ દ્વારા સમર્થ બનીને જીવાત્મા તેમનાં દિવ્ય સ્વરૂપનું દર્શન કરી શકે છે, ચિંતન કરી શકે છે તથા તેને સમજી શકે છે.