મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ ।
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ॥ ૫૫॥
મત્-કર્મ-કૃત્—મારાં પ્રત્યે કર્તવ્યોનું પાલન કર; મત્-પરમ:—મને પરમ માનીને; મત્-ભક્ત:—મારી ભક્તિમાં લીન; સંગ-વર્જિત:—આસક્તિ રહિત; નિર્વૈર:—શત્રુતા રહિત; સર્વ-ભૂતેષુ—સર્વ જીવો પ્રત્યે; ય:—જે; સ:—તે; મામ્—મને; એતિ—પામે છે; પાંડવ—અર્જુન, પાંડુપુત્ર.
Translation
BG 11.55: જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિત પણે મને પામે છે.
Commentary
નવમ અધ્યાયના અંતમાં શ્રીકૃષ્ણે અર્જુનને તેમનાં પ્રત્યે મન એકાગ્ર કરવાનું તથા તેમની ભક્તિમાં લીન થવાનો ઉપદેશ આપ્યો હતો. એ ભક્તિમાં વૃદ્ધિ થાય તે પ્રયોજનથી તેમણે સ્વયં અંગેનાં અન્ય રહસ્યોને પ્રગટ કરવાની ઈચ્છા ધરાવી હતી, જે તેમણે દસમ અને એકાદશ અધ્યાયમાં વ્યક્ત કરી હતી. અગાઉના શ્લોકમાં તેઓ પુન: ભક્તિમાર્ગની સર્વ-શ્રેષ્ઠતા ઉપર ભાર મૂકે છે. હવે, તેઓ આ અધ્યાયના સમાપનમાં અનન્ય ભક્તિમાં લીન મનુષ્યનાં પાંચ લક્ષણો પર પ્રકાશ ફેંકે છે:
તેઓ તેમના સર્વ કર્તવ્યોનું પાલન મારા માટે કરે છે. સિદ્ધ ભક્ત કદાપિ તેનાં કાર્યોને માયિક અને આધ્યાત્મિક શ્રેણીઓમાં વિભાજીત કરતો નથી. તેઓ સર્વ કર્તવ્યોનું પાલન ભગવાનનાં સુખ અર્થે કરીને તેમના સર્વ કાર્યોને પવિત્ર કરીને ભગવાનને સમર્પિત કરે છે.
સંત કબીર વર્ણન કરે છે:
જહઁ જહઁ ચલૂં કરૂં પરિક્રમા, જો જો કરૂં સો સેવા
જબ સોવૂં કરૂં દણ્ડવત્, જાનૂઁ દેવ ન દૂજા
“જયારે જયારે હું ચાલું છું મને પ્રતીત થાય છે કે હું ભગવાનની પરિક્રમા કરું છે; જયારે હું કાર્ય કરું છું, મને લાગે છે કે હું ભગવાનની સેવા કરું છે; તથા જયારે જયારે હું નિદ્રાધીન થાઉં છે, મને પ્રતીત થાય છે કે હું તેમને દંડવત્ પ્રણામ કરું છે. આ પ્રમાણે, હું એવું કોઈ પણ કાર્ય કરતો નથી, જે તેમને સમર્પિત ન હોય.”
તેઓ મને આશ્રિત હોય છે. જેઓ ભગવાન સુધી પહોંચવા માટે તેમની આધ્યાત્મિક સાધનાઓ પર આશ્રિત હોય છે, તેઓ તેમને અનન્ય રીતે શરણાગત હોતા નથી. તેનું કારણ એ છે કે ભગવાન તેમની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે, કોઈ આધ્યાત્મિક સાધના દ્વારા નહીં. અનન્ય ભક્ત તેમને પ્રાપ્ત કરવાના સાધન તરીકે પોતાની ભક્તિનો પણ આશ્રય લેતો નથી. પરંતુ, તેઓ તેમની પૂર્ણ શ્રદ્ધા ભગવદ્-કૃપામાં જ સ્થિત કરે છે અને તેમની ભક્તિને કેવળ દિવ્ય કૃપાને આકર્ષિત કરવાના માર્ગ તરીકે જોવે છે.
તેઓ મને સમર્પિત હોય છે. ભક્તને સાંખ્યના જ્ઞાનમાં વૃદ્ધિ કરવી કે અષ્ટાંગ યોગની સાધના કરવી, યજ્ઞ-યાગાદિ કરવા જેવા અન્ય કોઈપણ કર્તવ્યના પાલનની આવશ્યકતા લાગતી નથી. તેઓ માને છે કે તેમનો સંબંધ કેવળ એકમાત્ર ભગવાન સાથે જ છે. તેઓ તેમનાં પ્રિયતમ ભગવાનને જ સર્વ પદાર્થો તથા પ્રાણીઓમાં વ્યાપ્ત સ્વરૂપે જોવે છે.
તેઓ આસક્તિ રહિત હોય છે. ભક્તિ માટે મનની અનુરક્તિ આવશ્યક છે. આ તો જ સંભવ છે, જો મન સંસાર પ્રત્યે અનાસક્ત હોય. તેથી, અનન્ય ભક્ત સંસારની સર્વ આસક્તિઓથી મુક્ત હોય છે અને તેમનું મન તેઓ કેવળ ભગવાનમાં જ સ્થિર કરે છે.
તેઓ સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રહિત હોય છે. જો અંત:કરણ દ્વેષથી યુક્ત હશે તો પણ તે ભગવાન પ્રત્યે અનન્ય નહિ બની શકે. તેથી, અનન્ય ભક્ત જેમણે તેમને હાનિ કરી હોય તેવા લોકો પ્રત્યે પણ કોઈ દ્વેષને અંત:કરણમાં આશ્રય આપતા નથી. પરંતુ, તેનાથી વિપરીત તેઓ માને છે કે ભગવાન સર્વ પ્રાણીઓનાં હૃદયમાં નિવાસ કરે છે, તેઓ સર્વ કર્મોને તેમનામાંથી જ ઉત્પન્ન થયેલા માને છે અને તેથી અહિત કરનારને પણ ક્ષમા કરી દે છે.