Bhagavad Gita: Chapter 11, Verse 45

અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા
ભયેન ચ પ્રવ્યથિતં મનો મે ।
તદેવ મે દર્શય દેવરૂપં
પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥ ૪૫॥

અદૃષ્ટ-પૂર્વમ્—પહેલાં ક્યારેય ન જોયેલું; હ્રષિત:—હર્ષિત; અસ્મિ—હું છું; દૃષ્ટ્વા—જોઈને; ભયેન્—ભયથી; ચ—છતાં; પ્રવ્યથિતમ્—વિચલિત થઈને; મન:—મન; મે—મારું; તત્—તે; એવ—જ; મે—મને; દર્શય—બતાવો; દેવ—ભગવાન; રૂપમ્—સ્વરૂપ; પ્રસીદ—પ્રસન્ન થાઓ; દેવ-ઈશ—દેવોનાં ભગવાન; જગત્-નિવાસ—બ્રહ્માંડોનું ધામ.

Translation

BG 11.45: મેં પહેલાં કદાપિ ન જોયેલા આપનાં વિશ્વરૂપનાં દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું. અને છતાં, મારું મન ભયથી વિચલિત છે. હે દેવોનાં સ્વામી! હે બ્રહ્માંડોનું ધામ! કૃપા કરીને મારા પર દયા કરો અને પુન: મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો.

Commentary

ભક્તિનાં બે પ્રકારો છે—ઐશ્વર્ય ભક્તિ અને માધુર્ય ભક્તિ. ઐશ્વર્ય ભક્તિમાં ભક્ત ભગવાનની સર્વ-શક્તિમત્તાના ગુણનું ચિંતન કરીને તથા તેનાથી પ્રેરિત થઈને ભક્તિમાં વ્યસ્ત થાય છે. ઐશ્વર્ય ભક્તિમાં પ્રધાન ભાવ આદર તથા સન્માન છે.  આ પ્રકારની ભક્તિમાં, ભગવાનથી અંતર અને વ્યવહારમાં શિષ્ટાચાર જાળવવાની આવશ્યક્તાનો સદા બોધ રહે છે. દ્વારકાવાસીઓ અને અયોધ્યાવાસીઓ ઐશ્વર્ય ભક્તિનાં ઉદાહરણો છે જેઓ શ્રીકૃષ્ણ અને શ્રીરામનું તેમનાં રાજા તરીકે આદર-સમ્માન કરતા હતાં. સામાન્ય નાગરિકો તેમનાં રાજા પ્રત્યે અતિ આદરશીલ અને આજ્ઞાંકિત હોય છે પરંતુ કદાપિ તેમનાં પ્રત્યે અંતરંગતાનો અનુભવ કરતા નથી.

માધુર્ય ભક્તિમાં ભક્ત ભગવાન સાથે અંતરંગ અને અંગત સંબંધ ધરાવે છે. આ ભક્તિમાં પ્રધાન ભાવ “શ્રીકૃષ્ણ મારા છે અને હું તેમનો છું” હોય છે. વૃંદાવનનાં ગોપ-બાળકો શ્રીકૃષ્ણને પોતાનો મિત્ર માનીને પ્રેમ કરતા હતા. યશોદા અને નંદબાબા શ્રીકૃષ્ણને પોતાનું સંતાન માનીને પ્રેમ કરતા હતા અને ગોપીઓ તેમને પોતાના પ્રિયતમ માનીને પ્રેમ કરતી હતી. આ સર્વ માધુર્ય ભક્તિના ઉદાહરણો છે. માધુર્ય ભક્તિ ઐશ્વર્ય ભક્તિની તુલનામાં અનંત મધુરતર છે. તેથી, જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ વર્ણન કરે છે:

            સબૈ સરસ રસ દ્વારિકા, મથુરા અરુ બ્રજ માહિઁ

           મધુર, મધુરતર, મધુરતમ, રસ બ્રજરસ સમ નાહિઁ (ભક્તિ શતક ૭૦)

“ભગવાનનો દિવ્યાનંદ તેમના સર્વ સ્વરૂપોમાં અત્યંત મધુર હોય છે. છતાં, તેની ભિન્ન-ભિન્ન શ્રેણીઓ છે—તેમની દ્વારકાની લીલાઓનો આનંદ મધુર છે, મથુરાની લીલાઓનો આનંદ મધુરતર છે અને વ્રજ લીલાઓનો આનંદ મધુરતમ છે.”

માધુર્ય ભક્તિમાં ભક્ત ભગવાનની સર્વ-શક્તિમાનતા ભૂલીને શ્રીકૃષ્ણ સાથે ચાર પ્રકારનાં સંબંધ સ્થાપિત કરે છે:

દાસ્ય ભાવ—શ્રીકૃષ્ણ આપણા સ્વામી છે અને હું તેમનો દાસ છું. શ્રીકૃષ્ણનાં અંગત સેવકો જેવા કે રક્તક, પત્રક, વગેરેની ભક્તિ દાસ્ય ભાવની છે. ભગવાન અમારા માતા-પિતા છે, એ ભાવ દાસ્ય ભાવનું જ અલગ સ્વરૂપ છે અને તેમાં જ સંમિલિત છે.

સખ્ય ભાવ—શ્રીકૃષ્ણ અમારા મિત્ર છે અને હું તેમનો અંતરંગ સાથીદાર છું. વૃંદાવનનાં ગોપ-બાળકો જેવા કે શ્રીદામા, મધુમંગલ, ધનસુખ, મનસુખ, વગેરેની ભક્તિ સખ્ય ભાવની ભક્તિ હતી.

વાત્સલ્ય ભાવ—શ્રીકૃષ્ણ અમારું સંતાન છે અને અમે તેના માતા-પિતા છીએ. યશોદા અને નંદબાબાની વાત્સલ્ય ભક્તિ હતી.

માધુર્ય ભાવ—શ્રીકૃષ્ણ અમારા પ્રિયતમ છે અને અમે તેમનાં પ્રિયજન છીએ. વૃંદાવનની ગોપીઓની ભક્તિ માધુર્ય ભાવની હતી.

અર્જુન સખ્ય ભાવનો ભક્ત છે અને ભગવાન સાથે મિત્રતાના સંબંધનો આનંદ અનુભવે છે. ભગવાનનાં વિશ્વરૂપનાં દર્શન કરીને તે અત્યંત વિસ્મયતા અને આદરનો ભાવ અનુભવવા લાગ્યો અને તેથી તે સખ્ય ભાવની મધુરતાની ઝંખના કરતો હતો, જે મધુર સ્વાદ તેની આદત હતી. તેથી, શ્રીકૃષ્ણને તે જોઈ રહ્યો છે, તે તેમનું આ સર્વ-શક્તિમાન સ્વરૂપ છુપાવી દેવા અને પુન: માનવરૂપનું દર્શન કરાવવા પ્રાર્થના કરે છે.